ઈલોન મસ્કની પ્રાઈવેટ પાર્ટીમાં જાય છે ત્યાં એલએસડી, કોકેઈન અને સાઈકેડેલિક મશરુમ જેવા ડ્રગ્સનું સેવન કરતા હોવાનું લોકોએ જોયું છે
વોશિંગ્ટન
અબજપતિ ઈલોન મસ્કને લઈને એક મોટો ખુલાસો થયો છે. તેઓ ડ્રગ્સ લેતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક અમેરિકી અખબાર ધ વૉલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલમાં દાવો કરાયો હતો કે મસ્કે સ્પેસ એક્સની એક ઈવેન્ટમાં એલએસડી(એલએસડી) અને કોકેઈનનો ઉપયોગ કર્યો હતો.
અખબારે તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે જે લોકો ઈલોન મસ્કની પ્રાઈવેટ પાર્ટીમાં જાય છે તેમણે જોયું છે કે એલએસડી, કોકેઈન અને સાઈકેડેલિક મશરુમ જેવા ડ્રગ્સનું સેવન કરે છે. આ પાર્ટીઓમાં સામેલ થવા માટે મહેમાનો પાસે એક નોન ડિસ્ક્લોજર એગ્રીમેન્ટ પર સહી કરાવાય છે અને તેમના પર ફોન પણ જપ્ત કરી લેવામાં આવે છે.
અહેવાલમાં મસ્કના નજીકના લોકોએ દાવો કર્યો હતો કે મસ્ક અનેકવાર નશીલી દવાઓ ખાસ કરીને કેટામાઈનનું સેવન કરે છે. મસ્કે ગત વર્ષે ઓગસ્ટમાં ખુદ દાવો કર્યો હતો કે તે આ દવાનો એન્ટી ડિપ્રેઝેન્ટ તરીકે ઉપયોગ કરે છે. 2018માં લોસ એન્જેલમાં એક પાર્ટી યોજાઈ હતી જેમાં મસકે એસિડની અનેક દવાઓ લીધી હતી. તેના પછીના વર્ષે મેક્સિકોમાં પણ એક પાર્ટીમાં તેમણે મશરૂમ લીધો હતો. 2021માં મિયામીમાં પાર્ટીમાં મસ્ક અને તેમના ભાઈ કિમ્બલ મસ્કે કેટામાઈનનું સેવન કર્યું હતું.
ધ વૉલ સ્ટ્રીટ જર્નલે દાવો કર્યો હતો કે ટેસ્લાના પૂર્વ ડિરેક્ટર લિંડા જોનસન રાઈસ ઈલોન મસ્કના વર્તન અને ડ્રગ્સના ઉપયોગથી એટલી હદે પરેશાન થઇ ગયા હતા કે તેમણે કંપનીના બોર્ડ માટે ફરી ચૂંટણી ન લડવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે મસ્કના વકીલ એલેક્સ સ્પિરોનો દાવો છે કે સ્પેસ એક્સમાં દરરોજ ડ્રગ્સ ટેસ્ટ થાય છે અને મસ્ક તેમાં ક્યારેય નિષ્ફળ ગયા નથી.