રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યક્રમમાં ગેરહાજરી પર ભારતના વિદેશ પ્રધાનની સ્પષ્ટતા
નવી દિલ્હી
આ વખતે ભારતની રાજધાની નવી દિલ્હીમાં આગામી 9-10 સપ્ટેમ્બરે જી20 સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યક્રમમાં હાજરી આપવા ઈનકાર કરી દીધો છે. હવે આ બંને નેતાઓની ગેરહાજરી અંગે ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે પ્રતિક્રિયા આપી હતી.
ભારતના વિદેશમંત્રાલયના મંત્રી એસ.જયશંકરે કહ્યું કે મને લાગે છે કે જી20 સમિટમાં વિવિધ સમયે એવા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન રહ્યા છે જેમણે કોઈને કોઈ કારણે ગેરહાજર રહેવાનો નિર્ણય કર્યો હતો પણ એ અવસરે જે પણ એ દેશના પ્રતિનિધિ હાજરી આપે છે તે તેમના દેશ અને તેમની સ્થિતિને રજૂ કરે છે. મને લાગે છે કે દરેક પ્રતિનિધિ અને દેશ આ બેઠકને લઈને ગંભીર છે.
માહિતી અનુસાર ભારતમાં જી20 સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજરી આપવાના નથી. તેમની જગ્યાએ ચીનના વડાપ્રધાન લી કિયાંગ હાજરી આપશે. બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આ બેઠકથી છેડો કર્યો છે. તેમની જગ્યાએ રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ હાજર રહેશે.