મેચ દરમિયાન રાસી વાન ડેર ડુસેનના એલબીડબલ્યુ રિવ્યુ દરમિયાન ભૂલથી એક અધૂરું ગ્રાફિક્સ ડિસ્પ્લે થઇ ગયું, સંપૂર્ણ વિવરણ સાથે ગ્રાફિક્સ ફરીથી બતાવવામાં આવ્યું હતુઃ આઈસીસી
ચેન્નાઈ
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની ખુબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ દિલધડક મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને અંતિમ ક્ષણમાં 1 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન અમ્પાયર્સના નિર્ણય પર કેટલાંક પ્રશ્નો ઉભા થયા હતા. સાઉથ આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેનના આઉટ થવા પર હોબાળો મચી ગયો હતો.
સાઉથ આફ્રિકાના ઇનિંગની 19મી ઓવર દરમિયાન પાકિસ્તાનના સ્પિનર ઉસામા મીરની પાંચમી બોલ પર રાસી વાન ડેર ડુસેનને ફિલ્ડ અમ્પાયરે એલબીડબલ્યુ આઉટ આપ્યો હતો. ડુસેને તરત જ ડીઆરએસ લઇ લીધો હતો. ત્યારબાદ સૌ પ્રથમ જે બોલ ટ્રેકિંગ દેખાડવામાં આવી તેમાં બોલ વિકેટ્સને મિસ કરી રહી હતી. જો કે તે બોલ ટ્રેકિંગને તરત જ હટાવી દેવામાં આવી હતી.તે પછી તરત જ બીજી બોલ ટ્રેકિંગ બતાવવામાં આવી હતી જેમાં ઈમ્પેક્ટ અને હિટિંગ બંને અમ્પાયર્સ કોલ દેખાડવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને માન્ય રાખી રાસીને આઉટ આપવામાં આવ્યો હતો.
આઈસીસીએ આ સમગ્ર મામલે સ્પષ્ટીકરણ આપ્યું છે. તેણે કહ્યું કે બોલ ટ્રેકિંગનો પ્રથમ ગ્રાફ ભૂલથી બતાવવામાં આવ્યો હતો, જેમાં બોલ સ્ટમ્પને મિસ કરી રહી હતી. આઈસીસીના એક પ્રવક્તાએ કહ્યું, ‘સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન રાસી વાન ડેર ડુસેનના એલબીડબલ્યુ રિવ્યુ દરમિયાન ભૂલથી એક અધૂરું ગ્રાફિક્સ ડિસ્પ્લે થઇ ગયું હતું. સંપૂર્ણ વિવરણ સાથે ગ્રાફિક્સ ફરીથી બતાવવામાં આવ્યું હતું.