દેશના અનેક મહત્ત્વપૂર્ણ સ્થળોએ 2028-29 સુધીમાં દેશી આયરન ડૉમ સિસ્ટમ તહેનાત કરાશે જે લડાકૂ વિમાનો, ડ્રોન અને મિસાઈલ જેવા હુમલાથી દેશની સુરક્ષા કરશે
નવી દિલ્હી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધ દરમિયાન ભારતે પણ હવે તેની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા કમર કસી લીધી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે ભારત પણ હવે તેની પોતાની આયરન ડૉમ બનાવવાની યોજના ઘડી રહ્યું છે. એવી શક્યતાઓ છે કે દેશના અનેક મહત્ત્વપૂર્ણ સ્થળોએ 2028-29 સુધીમાં દેશી આયરન ડૉમ સિસ્ટમ તહેનાત કરાશે જે લડાકૂ વિમાનો, ડ્રોન અને મિસાઈલ જેવા હુમલાથી દેશની સુરક્ષા કરશે. જોકે હજુ આ મામલે સૈન્ય કે સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
યુદ્ધ વચ્ચે ઈઝરાયલની આયરન ડૉમ સિસ્ટમ ભારે ચર્ચામાં છે. ખરેખર આ એક બેટરીની સિરીઝ છે જે રડારની મદદથી શોર્ટ રેન્જ રોકેટ્સને શોધી કાઢે છે અને તેને ખતમ કરી નાખે છે. અમેરિકી ડિફેન્સ કંપની રેથિયોને કહ્યું કે દરેક બેટરીમાં 3 કે 4 લોન્ચર, 20 મિસાઈલ, એક રડાર સામેલ હોય છે.
જેવી જ રીતે રડારને રોકેટની જાણકારી મળે છે તો સિસ્ટમ માહિતી એકઠી કરે છે કે રોકેટ કોઈ વસતી તરફ જઈ રહ્યું છે કે નહીં. જો એવું હોય તો આ સિસ્ટમ મિસાઈલ લોન્ચ કરે છે અને રોકેટને હવામાં જ નષ્ટ કરી દે છે.
એક અહેવાલ અનુસાર સૂત્રોએ દાવો કર્યો હતો કે ‘પ્રોજેક્ટ કુશા’ હેઠળ ડીઆરડીઓ નવા એલઆર-એસએએમ સિસ્ટમ એટલે કે લોન્ગ રેન્જ સર્ફેસ ટુ એર મિસાઈલ બનાવી રહ્યું છે. માહિતી અનુસાર લોન્ગ રેન્જ સર્વેલાન્સ અને ફાયર કન્ટ્રોલ રડાર્સવાળા મોબાઈલ એલઆર-એસએએમ માં અલગ અલગ પ્રકારની ઈન્ટરસેપ્ટર મિસાઈલો પણ હશે જે 150 કિ.મી., 250 કિ.મી. અને 350 કિ.મી.ન. રેન્જ સુધીના શત્રુઓને હવામાં નિશાન બનાવી શકે છે.