ચીનનાં વિદેશ મંત્રાલયે શી જિનપિંગ અને પ્રમુખ બાયડેન વચ્ચે યોજાનારી મંત્રણાની સફળતા અંગે આશંકા દર્શાવી
બેઈજિંગ
અમેરિકાના પ્રમુખ જો બાયડેન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે સાન ફ્રાંસિસ્કોમાં એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન ફોરમ (એપીઈસીએફ) ની શિખર પરિષદ દરમિયાન યોજાનારી મંત્રણા ઘણી કઠોર બની રહેવાની આશંકા ચીનનાં વિદેશ મંત્રાલયે જ દર્શાવી છે. તેમાં સકારાત્મકતાની સંભાવના નહીવત દેખાય છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ ચીએ પોતાની ત્રણ દિવસની વોશિંગ્ટન યાત્રા દરમિયાન બાયડેનની સાથે સાથ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કનને અને રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલીવાન સાથે પણ મંત્રણા યોજી હતી. બંને પક્ષોએ, તે દરમિયાન સાન ફ્રાંસીસ્કોમાં યોજાનારી એપીઈસીએફ શિખર મંત્રણા દરમિયાન દ્વિપક્ષીય બેઠકમાં સાથો સાથ કામ કરવાની તત્પરતા તો દર્શાવી હતી પરંતુ, ચીનનાં વિદેશ મંત્રાલયે શી જિનપિંગ અને પ્રમુખ બાયડેન વચ્ચે યોજાનારી મંત્રણાની સફળતા અંગે આશંકા દર્શાવી છે.
વાંગની તે ત્રણ દિવસની વોશિંગ્ટન યાત્રા તેવા સમયે યોજાઈ કે જ્યારે બંને દેશો વચ્ચે કેટલાક મુદ્દાઓ અંગે તંગદિલી પ્રવર્તે છે. જેમાં અમેરિકામાંથી ઉચ્ચ ટેકનોલોજી ચીનમાં મોકલવા ઉપરનો પ્રતિબંધ તથા પૂર્વ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનું આક્રમક વલણ મુખ્ય મુદ્દો બની રહ્યો હતો.
ચીન અને અમેરિકા વચ્ચે સૌથી ગંભીર મતભેદો તો તાઈવાન અંગે છે. ચીન તાઈવાનને પોતાનો જ એક પ્રાંત દર્શાવે છે. (નકશા ઉપર તો નિશ્ચિત રીતે તેણે તાઈવાનને પોતાનો જ ટાપુ દર્શાવ્યો છે.) અમેરિકાને ચીનનો તે દાવો અસ્વીકાર્ય જ નથી. તેને તેનો પ્રશાંત મહાસાગર ખુલ્લો પડી જવાની ભીતિ છે. જે સાચી પણ છે. (જો તાઈવાન ચીનના હાથમાં જાય તો).
આમ બહારથી સુષ્ટુ-સુષ્ટુ વાતો ભલે બંને પક્ષો કરતા હોય છતાં બાયડેન – શી જિનપિંગ મંત્રણામાં કોઈ સકારાત્મક નિષ્કર્ષ મળવાની સંભાવના નહીવત છે તેમ નિરીક્ષકોનું કહેવું છે.