સુપ્રીમ કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લાગવવાની વાતને નકારી કાઢી

નવી દિલ્હી
દેશના મુખ્ય કોચિંગ હબ તરીકે વિકસેલા રાજસ્થાનના કોટા શહેરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ત્યાંના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે. ઉપરાંત અહીં વિદ્યાર્થીઓની આત્મહત્યાના દર મહિને કિસ્સાઓ સામે આવે છે. જેના પર સુપ્રીમ કોર્ટે એક મોટું નિવેદન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે બાળકોના માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા છે.
એક અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કોટામાં દિવસેને દિવસે બાળકો આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર તેના માતા-પિતા જવાબદાર છે. સાથે જ કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લાગવવાની વાતને નકારી કાઢી હતી. આ વર્ષની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 24 બાળકોએ આત્મહત્યા કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની વધુ પડતી આશાના કારણે મોતને ભેટે છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આ પગલું ભરી લેતા હોય છે. સુપ્રીમ કોર્ટે એક ડૉક્ટર અનિરુદ્ધ નારાયણ માલપાણીની અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કરી હતી જેમણે બાળકોની આત્મહત્યા માટે કોચિંગ સેન્ટરોને જવાબદાર ઠેરવ્યા હતા.