ભવિષ્યમાં ટનલ નિર્માણ વખતે આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી? કેવી રીતે ખામીઓ દૂર કરવી? તેના પર એનઆઈડીએમ દ્વારા સંપૂર્ણ ચેપ્ટર તૈયાર કરાશે

નવી દિલ્હી
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ) ના કાર્યકારી નિર્દેશક રાજેન્દ્ર રતનું કહ્યું હતું કે ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ એક્સિડેન્ટ પર દેશ માટે કેસ સ્ટડી તૈયાર કરાશે. ભવિષ્યમાં ટનલ નિર્માણ વખતે આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી? કેવી રીતે ખામીઓ દૂર કરવી? તેના પર એનઆઈડીએમ દ્વારા સંપૂર્ણ ચેપ્ટર તૈયાર કરાશે.
છઠ્ઠાં વૈશ્વિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા રાજેન્દ્ર રતનુએ કહ્યું કે દેશમાં જ્યાં પણ ટનલનું નિર્માણ કરાશે અમે પ્રયાસ કરીશું કે નિર્માણકાર્ય કરતી એજન્સી અને વિભાગ સાથે પહેલાથી જ તૈયાર મોડ્યુલ વિશે વાત કરી આગળ વધવામાં આવશે. તેમણે કહ્યું કે હિમાલય ક્ષેત્રમાં માર્ગો અને ટનલના નિર્માણમાં આ સ્ટડી મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
તેમણે કહ્યું કે હિમાલયમાં આવેલા તમામ રાજ્યોનું ભૂગોળ અન્ય રાજ્યોની તુલનાએ અલગ છે. એટલા માટે હિમાલયના રાજ્યો તરફથી એવું સૂચન હતું કે ઉત્તરાખંડમાં એક આ પ્રકારનું રાષ્ટ્રીય સંસ્થાન શરૂ થાય જ્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત રિસર્ચ, ટ્રેનિંગ અને તેની સાથે સંકળાયેલા મહત્ત્વપૂર્ણ કાર્ય થઈ શકે. 2022થી કેન્દ્ર સરકાર સમક્ષ આ પ્રસ્તાવ લંબિત છે. સીએમ ધામીએ આ પ્રસ્તાવને આગળ વધારવાની વાત કહી છે.