ભારતીય ટીમ આવતા મહિને સા. આફ્રિકાના પ્રવાસમાં ત્રણેય ફોર્મેટની સિરીઝ રમશે, જે 10 ડિસેમ્બરે ત્રણ મેચની ટી20 સિરીઝથી શરૂ થશે
નવી દિલ્હી
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વન-ડે વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવ્યા હતા. પરંતુ હવે તેને લઈને એક ચોંકાવનારી જાણકારી સામે આવી રહી છે. મળેલી માહિતી મુજબ વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે રમાનાર વ્હાઈટ બોલ સિરીઝ નહી રમે. અહેવાલો મુજબ કોહલી વ્હાઈટ બોલ ક્રિકેટથી બ્રેક લેશે અને માત્ર ટેસ્ટ ક્રિકેટ જ રમશે.
મળેલા અહેવાલો મુજબ વિરાટ કોહલીએ બીસીસીઆઈને જણાવ્યું છે કે તે વ્હાઈટ બોલ ક્રિકેટથી બ્રેક લેશે અને તે માત્ર ટેસ્ટ ક્રિકેટ માટે ઉપલબ્ધ રહેશે. ભારતીય ટીમ આવતા મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. જ્યાં તે ત્રણેય ફોર્મેટની સિરીઝ રમશે. જેની શરૂઆત 10 ડિસેમ્બરે ત્રણ મેચની ટી20 સિરીઝથી થવાની છે. તે પછી 17 ડિસેમ્બરથી ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે અને ત્યારબાદ 26 ડિસેમ્બરથી ભારતીય ટીમ બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે.
એક સૂત્રે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ‘કોહલીએ બીસીસીઆઈ અને સિલેક્ટર્સને કહ્યું છે કે તેને વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી બ્રેકની જરૂર છે અને જ્યારે તેને વ્હાઈટ બોલ ક્રિકેટ રમવાની હશે ત્યારે તે પાછો આવશે. હાલ તેણે બીસીસીઆઈને કહ્યું છે કે તે રેડ બોલ ક્રિકેટ રમશે, જેનો અર્થ છે કે તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે હાજર રહેશે.’