10 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને 23 સભ્ય દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો, ભારતે પણ પ્રસ્તાવને સમર્થન આપ્યું
વોશિંગ્ટન
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બેઠક બોલાવી હતી જેમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને તમામ બંધકોની બિનશરતી મુક્તિની માંગનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જે પસાર થયો હતો. આ પ્રસ્તાવમાં ભારત પણ સામેલ હતું અને તરફેણમાં મતદાન કર્યું હતું.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિના કરતા પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યુ છે જેમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે તેમજ કેટલાય લોકો વિસ્થાપિત થયા છે ત્યારે યુએન જનરલ એસેમ્બલીએ ગઈકાલે એક વિશેષ તાત્કાલિક બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં યુદ્ધવિરામ અને તમામ બંધકોની બિનશરતી મુક્તિની માંગનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં 153 દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 10 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને 23 સભ્ય દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. આ બેઠકમાં ભારત પણ સામેલ રહ્યું હતું અને ભારતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં તાત્કાલિક યુદ્ધવિરામ તેમજ તમામ બંધકોની બિનશરતી મુક્તિની માંગ કરતા પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું.