12 ડિસેમ્બરના રોજ પોતાનો મનપસંદ ખોરાક બીન પેસ્ટ જેલી ખાધા બાદ તેમનું નિધન થઈ ગયું
નવી દિલ્હી
વિશ્વના બીજા અને જાપનના પ્રથમ સૌથી વૃદ્ધ મહિલા ફુસા તત્સુમીનું 116 વર્ષની ઉંમરમાં કાશિવારાના આરોગ્ય કેન્દ્રમાં નિધન થઈ ગયુ છે. ગઈ કાલે 12 ડિસેમ્બરના રોજ પોતાનો મનપસંદ ખોરાક બીન પેસ્ટ જેલી ખાધા બાદ તેમનું નિધન થઈ ગયુ હતું. તેમના મૃત્યુનું કારણ વૃદ્ધાવસ્થા હોવાનું જણાવાય રહ્યું છે.
તત્સુમીને ગત વર્ષે 119 વર્ષીય કેન તનાકાના નિધન બાદ વિશ્વના બીજા સૌથી વૃદ્ધ મહિલા ગણાવવામાં આવ્યા હતા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ ગત વર્ષે એપ્રિલમાં તનાકાને વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિનો દરજ્જો આપ્યો હતો. તત્સુમી વિશ્વની 27મા સૌથી વૃદ્ધ વ્યક્તિ અને જાપાનના સાતમા સૌથી વૃદ્ધ વ્યક્તિ ગણાવવામાં આવ્યા હતા.
વર્ષ 1907માં જન્મેલા તત્સુમી તેમના ત્રણ બાળકો અને પતિ સાથે ઓસાકામાં રહેતા હતા. હાલના દિવસોમાં તેઓ મોટાભાગનો સમય આરોગ્ય કેન્દ્રમાં જ વીતાવતા હતા. કેટલાક અહેવાલો પ્રમાણે ફુસા તત્સુમીને અગાઉ કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ નહોતી અને ક્યારેય ગંભીર રીતે ઘાયલ પણ નહોતા થયા. જોકે 70 વર્ષની ઉંમરે પડી જવાને કારણે તેમના પગનું હાડકું તૂટી ગયુ હતું.
તત્સુમીના નિધન પર તેમના 76 વર્ષના પુત્ર કેન્જીએ કહ્યું કે, આ ઉંમર સુધી પહોંચવા માટે તેમણે ખૂબ સારું કામ કર્યું. ઓસાકાના ગવર્નર હિરોફુમી યોશીમુરાએ પણ તત્સુમીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં તત્સુમીની લાંબી ઉંમરનો જશ્ન મનાવવા માટે આયોજિત એક પાર્ટીને યાદ કરતા તેમણે કહ્યું કે, તે સમયે ફુસા તત્સુમી કેટલા સ્વસ્થ હતા. જાપાન વિશ્વમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતા દેશોમાંનો એક છે. આવા ઘણા લોકો અહીં રહે છે જેમની ગણતરી વિશ્વના સૌથી વૃદ્ધ માણસોમાં કરવામાં આવે છે.