બાયડેનની પાર્ટી ડેમોક્રેટસે આ પગલાને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યું
વોશિંગ્ટન
યુએસ હાઉસમાં ગઈકાલે રાષ્ટ્રપતિ જો બાયડેન પર મતદાન થયું હતું જેમાં બાયડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી આપી હતી. જો કે બાયડેનની પાર્ટી ડેમોક્રેટસે આ પગલાને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યું હતું.
રિપબ્લિકન-નિયંત્રિત યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ગઈકાલે રાષ્ટ્રપતિ જો બાયડેન સામે મહાભિયોગની તપાસને ઔપચારિક ઠરાવને મંજૂરી આપી હતી. ગૃહમાં રાષ્ટ્રપતિ બાયડેન વિરુદ્ધ મહાભિયોગ તપાસની તરફેણમાં 221 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 212 વોટ પડ્યા હતા. જો કે રાષ્ટ્રપતિ જો બાયેડને તેમની વિરુદ્ધ મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવા માટે ગૃહના મતને ‘પાયા વિનાનો રાજકીય સ્ટંટ’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકનોના જીવનને સુધારવામાં મદદ કરવાને બદલે, તેઓ મારા પર જુઠ્ઠાણાથી હુમલો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
રાષ્ટ્રપતિ જો બાયડેનના પુત્ર હન્ટર પર યુક્રેન અને ચીનમાં તેમના વ્યવસાયિક વ્યવહારમાં કુટુંબના નામ પર અસરકારક રીતે વેપાર કરવાનો આરોપ છે અને તેના પર 1.4 મિલિયન ડોલરની કરચોરીનો આરોપ છે, જ્યારે હન્ટર વૈભવી જીવનશૈલી જીવવા માટે લાખો ડોલરનો ખર્ચ કરી રહ્યો છે.