અમેરિકાના પ્રમુખપદે આવીશ તો ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કાર્ય નહી કરું પરંતુ હિન્દૂ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ બંનેના સિદ્ધાંતો સમાન જ છે એક સરખા પણ છે
ડેરામોનિસા (આયોવા)
સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્થાપકોનો ધર્મ ખ્રિસ્તી ધર્મથી અલગ ધર્મ (હિન્દૂ ધર્મ) અનુસરનારા વિવેક રામાસ્વામી અમેરિકાના પ્રમુખપદે કઈ રીતે આવી શકે તેવો પ્રશ્ન સીએનએન પ્રેસિડેન્શીયલ હોલમાં જીની માઇકલે પૂછતાં તે ગોષ્ઠિમાં વિવેક રામાસ્વામીએ કહ્યું હતું કે, ‘હું એક હિન્દૂ જ છું હું મારી ઓળખમાં કોઈ બનાવટ નહીં જ કરું અને અમેરિકાના પ્રમુખપદે આવીશ તો ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કાર્ય નહી કરું પરંતુ હિન્દૂ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ બંનેના સિદ્ધાંતો સમાન જ છે એક સરખા પણ છે’ ‘મારો ધર્મ અમને દરેકને સમજાય છે કે, ઇશ્વરે આપણને સર્વેને એક નિશ્ચિત હેતુસર મોકલ્યા છે. તેથી આપણી નૈતિક ફરજ બની રહે છે કે, આપણે તે હેતુ પ્રમાણે કામ કરવું ઇશ્વર આપણામાં વિવિધ સ્વરૂપે કામ કરે છે પરંતુ આપણે બધાં સમાન જ છીએ કારણ કે એક જ ઈશ્વર આપણા સહુમાં વસે છે.’
મારો ઉછેર પરંપરાગત રીતે થયો છે. મારા માતા-પિતાએ મને સમજાવ્યું છે કે, કુટુંબ તે (સમાજનો) પાયો છે લગ્ન એક પવિત્ર બંધન છે. લગ્ન વિચ્છેદ તે (મતભેદોનો) વિકલ્પ બની જ ન શકે. તમારે તમારો જીવન માર્ગ નિશ્ચિત કરવો જ જોઈએ. મહત્ત્વની વાત તો તે છે કે, તમારે કેટલીક બાબતોથી દૂર જ રહેવું જોઈએ. લગ્નેતર સંબંધો (વ્યભિચાર) તદ્દન અયોગ્ય બાબત છે તે ભૂલવું ન જોઈએ કે જીવનમાં સારી વસ્તુઓ માટે બલિદાન આપવું પડે છે. આ બધાં શું અજ્ઞાાત મૂલ્યો છે ? આવા જ મૂલ્યો ખ્રિસ્તી ધર્મે પણ આપ્યા છે.
તેઓએ વધુમાં કહ્યું કે (પ્રમુખ તરીકેનું) મારું કર્તવ્ય (દરેકને સ્વધર્મમાં) શ્રદ્ધા દ્રઢીભૂત કરવાનું રહેશે. સાથે, રાષ્ટ્ર ભાવના દ્રઢીભૂત કરવાનું રહેશે. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવો તે કૈ અમેરિકાના પ્રમુખનું કાર્ય નથી.
તાજેતરમાં યોજાયેલી અનેક રેલીઓમાં રામાસ્વામીએ તેઓના ધર્મ સંબંધે ઉભા થયેલા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા તે સાથે અમેરિકાના સંયુક્ત રાજ્યો (યુ.એસ.એ.)ના આદ્ય સ્થાપકોએ સ્થાપેલા મૂલ્યોની સાથે જ તેઓ ઉભા રહેશે તેમ પણ તેમના પ્રવચનોમાં વારંવાર કહેતા રહ્યા છે. તેઓ વારંવાર તેમના ચૂંટણી પ્રવચનોમાં બાઇબલના કથનોનો ઉલ્લેખ કરે છે. બુધવારે ટાઉન હોલમાં આપેલા વકતવ્યમાં તેઓએ ‘બુક ઓફ ઇસાઇયાહ’ના વચનો ટાંક્યા હતા.
વાસ્તવમાં ઘણાં નિરીક્ષકો વિવેક રામાસ્વામીનેે ‘ફાર રાઇટ’ (તદ્દન જમણેરી) માને છે. અને કહે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જેઓ રીપબ્લિકન છે તેઓ જો પ્રમુખપદની ચૂંટણી જીતશે તો વિવેક રામાસ્વામી તેઓના ડેપ્યુટી (ઉપપ્રમુખ) બનાવશે તે નિશ્ચિત લાગે છે.