ડૉલરની કિંમતમાં આવેલો ઉછાળો પણ આ દેવું વધવાનાં કારણોમાં સામેલ
નવી દિલ્હી
હાલમાં ભારત ભલે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે પણ શું તમને ખ્યાલ છે કે ભારત પર કેટલું દેવું છે? ભારત પર દેવું વધતું જઈ રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે દેશ પર ચાલુ નાણાકીય વર્ષ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ દેવું વધીને 2.47 ટ્રિલિયન ડૉલર એટલે કે 205 લાખ કરોડને આંબી ગયું છે.
આ સૌની વચ્ચે ડૉલરની કિંમતમાં આવેલો ઉછાળો પણ આ દેવું વધવાનાં કારણોમાં સામેલ છે. એક અહેવાલ મુજબ અગાઉ ગત નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં કુલ દેવું 2.34 ટ્રિલિયન ડૉલર એટલે કે 200 લાખ કરોડ રૂ. હતું. ઈન્ડિયાબોન્ડ્સ ડૉટ કોમના સહ-સંસ્થાપક વિશાલ ગોયનકાએ આરબીઆઈના આંકડાનો હવાલો આપતાં કેન્દ્ર અને રાજ્યો પર દેવાના આંકડા રજૂ કર્યા હતા.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પર દેવું સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 161.1 લાખ કરોડ રૂપિયા થઈ ગયું જે માર્ચ ત્રિમાસિકમાં 150.4 લાખ કરોડ રૂપિયા હતું. રાજ્ય સરકારોના કુલ દેવામાં ભાગીદારી 50.18 લાખ કરોડ રૂપિયા હોય છે. ઉલ્લેખનીય છે કે આ સમયગાળા દરમિયાન અમેરિકી ડૉલરની કિંમત વધવાની અસર પણ દેવાના આ આંકડા પર દેખાઈ રહી છે. ઉદાહરણ તરીકે માર્ચ 2023માં એક ડૉલરની કિંમત 82.5441 રૂપિયા જેટલી હતી. જોકે તે હવે વધીને 83.152506 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સાથે રિપોર્ટમાં રાજકોષીય ખર્ચની વિગતો આપવામાં આવી હતી જે 9.25 લાખ કરોડ જેટલો થાય છે. તે કુલ દેવાનો 4.51 ટકા છે. આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષની બીજી ત્રિમાસિકમાં કુલ દેવામાં કોર્પોરેટ બોન્ડની ભાગીદારી 21.52 ટકા હતી જે 44.16 લાખ કરોડ રૂપિયા થાય છે.
આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ પણ વધતા જતાં દેવાને અંગે ભારતને ચેતવણી આપી હતી. વૈશ્વિક સંસ્થાએ કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યો સહિત ભારતનું સામાન્ય સરકારી દેવું મધ્યમ ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) ના 100 ટકાથી ઉપર પહોંચી શકે છે. આવી સ્થિતિમાં લાંબા ગાળામાં લોન ચૂકવવામાં મુશ્કેલી આવી શકે છે. જો કે, કેન્દ્ર સરકારે આઈએમએફના આ અહેવાલ સાથે અસહમતિ વ્યક્ત કરી હતી અને તેનું માનવું છે કે સરકારી દેવાથી જોખમ ઘણું ઓછું છે, કારણ કે મોટા ભાગનું દેવું ભારતીય ચલણ એટલે કે રૂપિયામાં છે.