આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણાની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે, ભયંકર રીતે મૃતદેહો દાઝી જતાં મુસાફરોની ઓળખ કરવી પણ મુશ્કેલ
ગુના
ગુનાથી આરોન જતી સિકરવાર બસમાં બુધવારે રાતે આશરે 08:30 વાગ્યે એક ડમ્પરે જોરદાર ટક્કર મારી દીધી હતી. જેના બાદ ડીઝલ ટેન્ક ફાટી જતાં બસ આગનો ગોળો બની ગઈ હતી જેમાં 13 મુસાફરો જીવતા ભડથું થઈ ગયા હતા.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણાની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ભયંકર રીતે મૃતદેહો દાઝી જવાને કારણે મુસાફરોની ઓળખ કરવી પણ મુશ્કેલ થઇ રહી છે.
જ્યારે દુર્ઘટનાની જાણકારી મળી તો મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે દુઃખ વ્યક્ત કરતાં તપાસના આદેશ આપ્યા હતા. માહિતી અનુસાર દરરોજની જેમ 32 સીટર સિકરવાર બસ બુધવારે રાતે આશરે આઠ વાગ્યે ગુનાથી આરોન જઈ રહી હતી. તે સમયે અકસ્માત સર્જાયો હતો.
માહિતી અનુસાર બસ વીમા અને ફિટનેસ સર્ટિ વગર જ દોડાવાઈ રહી હતી. બસ ફિટનેસ સર્ટિની મુદ્દત ફેબ્રુઆરી 2022માં પતી ગઈ હતી અને વીમા મુદ્દત 30 એપ્રિલ 2021ના રોજ સમાપ્ત થઈ ગઇ હતી. પરિવહન વિભાગ તથા જવાબદારોની અવગણનાને લીધે બસની નિયમિત તપાસ થઈ નહોતી.