ચીને જે-31ને અમેરિકાના એફ-35 ફાઈટર જેટ અને એફ-22 ફાઈટર જેટની નકલ કરીને બનાવ્યુ છે
ઈસ્લામાબાદ
ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઈટર જેટસ અને રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદયા બાદ રઘવાયુ બનેલુ પાકિસ્તાન ફરી ચીનની શરણમાં પહોંચ્યુ છે.
ભારતના રાફેલનો મુકાબલો કરવા માટે પાકિસ્તાને ચીન પાસેથી જે-31 સ્ટીલ્થ ફાઈટર જેટસ ખરીદવાની જાહેરાત કરી છે. ચીન આ વિમાનને પાંચમી પેઢીનુ વિમાન ગણાવે છે અને જાણકારોનુ કહેવુ છે કે, ચીને જે-31ને અમેરિકાના એફ-35 ફાઈટર જેટ અને એફ-22 ફાઈટર જેટની નકલ કરીને બનાવ્યુ છે.
પાકિસ્તાની સેના પ્રમુખ આસીમ મુનીરે પાકિસ્તાની વાયુસેનાની એક પરેડમાં ચીનના જે-10 વિમાનની ઉડાન જોઈ હતી અને તેની સાથે સાથે ચીન પાસેથી વધુ લડાકુ વિમાનો ખરીદવાનુ એલાન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાનની વાયુસેનાને અત્યાધુનિક બનાવવા માટે ચીન પાસેથી જે-31 ફાઈટર જેટ ખરીદવામાં આવશે.
બીજી તરફ ચીનનો દાવો છે કે, જે-31 વિમાન સ્ટીલ્થ ટેકનોલોજીથી સજજ છે અને તે રડારની પકડમાં આવતુ નથી. તે લાંબા અંતર સુધીના ટાર્ગેટ પર બોમ્બમારો કરવામાં સક્ષમ છે. તે એક વખતમાં 1250 કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે. જેના કારણે હવે પાકિસ્તાનને એવી આશા જાગી છે કે, ભારતીય વાયુસેના સાથે ટકરાવના સંજોગોમાં જે-31 વિમાન ભારતની એસ-400 એર ડિફેન્સ સિસ્ટમને માત આપી શકશે અને ભારતની સરહદમાં ઘૂસીને તબાહી મચાવી શકશે.
પાકિસ્તાનની યોજના અમેરિકન બનાવટના એફ-16 વિમાનોને તબક્કાવાર નિવૃત્ત કરીને તેની જગ્યાએ જે-31 વિમાનોને વાયુસેનામાં સામેલ કરવાની છે. જોકે પાકિસ્તાની સેના પ્રમુખે આ વિમાનો ક્યારે પાકિસ્તાની વાયુસેનામાં સામેલ કરાશે તેની જાહેરાત નથી કરી.
બીજી તરફ પાકિસ્તાનની જાહેરાત ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. કારણકે ભારતના પાંચમી પેઢીના ફાઈટર જેટનો પ્રોજેકટ હજી પ્રારંભિક અવસ્થામાં છે. ભારત પાસે હાલમાં સૌથી અત્યાધુનિક જેટ ફાઈટર તરીકે રાફેલ વિમાનો વાયુસેનામાં સામેલ છે.