રાતા સમુદ્રમાં માલવાહક જહાજો પર હવે હુમલો થશે તો ગઠબંધનમાં સામેલ દેશોની નેવી સંયુક્ત કાર્યવાહીની જાહેરાત
વોશિંગ્ટન
અમેરિકા અને અન્ય 11 દેશોએ રાતા સમુદ્રને હૈથી વિદ્રોહીઓના હુમલાઓથી સુરક્ષિત બનાવવા માટે હાથ મિલાવવાની જાહેરાત કરી દીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો રાતા સમુદ્રમાં માલવાહક જહાજો પર હવે હુમલો થશે તો ગઠબંધનમાં સામેલ દેશોની નેવી સંયુક્ત કાર્યવાહી કરશે. ગઠબંધનએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે રાતા સમુદ્રમાં હવે ગેરકાયદેસર ગતિવિધિઓને સ્વીકારી નહીં લેવાય. હવે જો ત્યાં કંઈ પણ થશે તો તેના માટે હૈથી બળવાખોરો જવાબદાર ગણાશે.
અમેરિકાની આગેવાની હેઠળના આ સૈન્ય ગઠબંધનમાં ઓસ્ટ્રેલિયા, બહેરીન, બેલ્જિયમ, બ્રિટન, કેનેડા, ડેનમાર્ક, જર્મની, ઇટાલી, જાપાન, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગાઝામાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીના વિરોધમાં યમનના હૈથી બળવાખોરોએ રાતા સમુદ્રથી ઈઝરાયેલ તરફ જતા માલવાહક જહાજોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. તેના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત જળમાર્ગોમાંથી એક એવા રાતા સમુદ્રના માર્ગ પર જહાજોની અવરજવર ખોરવાઈ ગઈ છે.
આ મામલે બાયડેન સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જો હુમલા ચાલુ રહે તો સંભવિત નિયમો અંગે વિસ્તૃત માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત હૈથી બળવાખોરોએ અમેરિકા અને તેના સાથીઓથી બીજી ચેતવણીની અપેક્ષા ન રાખવી જોઈએ.