ગાંધીધામ
મધ્ય પ્રદેશ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ ઈન્ડિયાનાં નેજા હેઠળ યોજાયેલ યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું અભય પ્રશાલ ઈન્ડોર સ્ટેડિયમ, ઈન્દોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગુજરાતના ઉભરતા ખેલાડી વિવાન દવે એ અંડર-15 બોયસ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

ચોથા ક્રમાંકિત 13 વર્ષીય વિવાન સેમિફાઈનલમાં બંગાળના આઠમાં ક્રમાંકિત ખેલાડી રીષાન ચટ્ટોપાધ્યાય સામે 2-3 (11-8, 11-7, 7-11, 10-12, 9-11)થી હાર છતાં પોડિયમ ફિનિશ કરવામાં સફળ રહ્યો હતો.
આ અગાઉ સુરતી ખેલાડીએ બિનક્રમાંકિત બંગાળના આરીવ દત્તને રાઉન્ડ ઓફ 16માં 3-1 (11-6,11-6,10-12,11-9)થી મહાત આપી હતી. તે પછી વિવાન દવે એ અંતિમ-8ની મેચમાં હરિયાણાના વત્સલ દુકલાનને 3-2 (11-8,3-11,11-8,10-12,11-9)થી મહાત આપી હતી.
ઈન્દોરમાં શાનદાર પ્રદર્શન અગાઉ વિવાને આ જ કેટેગરીમાં આ વર્ષે વડોદરા ખાતે યોજાયેલ નેશનલ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
વિવાનનાં બ્રોન્ઝ અને અંડર-13માં આ જ ટૂર્નામેન્ટમાં દેવ ભટ્ટે જીતેલા સિલ્વર મેડલ સાથે ગુજરાતે નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં 2 મેડલ સાથે અભિયાનનો અંત કર્યો.
યુવા વિવાન એ કહ્યું કે સેમિફાઈનલમાં મેચમાં રિશાન સામે 2-0ની લીડ ગુમાવવી એ ઝટકો આપનાર ઘટના હતી. તેણે કહ્યું કે,”લીડ સુધી પહોંચ્યા બાદ હું મેચ પૂર્ણ ના કરી શક્યો. મારે આગામી નેશનલ ટૂર્નામેન્ટ દરમિયાન આ મુદ્દે સુધાર કરવાની જરૂર છે.”
