માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુને હટાવવાની પહેલ સંસદીય લઘુમતી નેતા અલી અઝીમ દ્વારા કરવામાં આવી
માલે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય નાગરિકો પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી હવે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. માલદીવના વિપક્ષો પહેલાથી જ ભારત સાથેના સંબંધોમાં ખટાશ માટે ત્યાંની સરકારને દોષી ઠેરવી રહ્યા છે, ત્યારે હવે પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.
માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુને હટાવવાની પહેલ સંસદીય લઘુમતી નેતા અલી અઝીમ દ્વારા કરવામાં આવી છે. તેમણે માલદીવના નેતાઓને મુઈજ્જુને ખુરશી પરથી હટાવવામાં મદદ કરવા અપીલ કરતા કહ્યું છે કે અમારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) પાર્ટી માલદીવની વિદેશ નીતિમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે કોઈપણ પડોશી દેશને અમારી વિદેશ નીતિથી અલગ નહીં થવા દઈએ. તેમણે તેમની પાર્ટીના ટોચના નેતાઓને પૂછ્યું છે કે શું તેઓ રાષ્ટ્રપતિ મોઈજ્જુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા તૈયાર છે.
માલદીવના મંત્રીઓએ કરેલી ટીકાથી માલદીવને મોટું નુકસાન થઈ શકે છે કેમકે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓના બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે તેમજ ટ્રાવેલ કંપનીઓના વિરોધ બાદ હવે માલદીવના ટૂરિઝમ એસોસિએશને પણ પોતાના મંત્રીઓના નિવેદનોની ટીકા કરી છે. માલદીવ એસોસિએશન ઓફ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી (એમએટીઆઈ)એ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે ભારતીય વડાપ્રધાન અને ભારતના લોકો વિરુદ્ધ તેમના મંત્રીઓની ટિપ્પણીની નિંદા કરે છે.