દુર્ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી, અકસ્માત સર્જનાર ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો
વોશિંગ્ટન
અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસ્થાન વ્હાઈટ હાઉસની સુરક્ષામાં મોટી ચૂક થયાના અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં ગઈકાલે રાત્રે વ્હાઈટ હાઉસના ગેટ સાથે એક કાર ભયાનક રીતે અથડાઈ હતી. જો કે હાલ આ દુર્ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.
હજુ ગયા મહિને જ અમેરિકન પ્રમુખ જો બાયડેનની સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના બની હતી ત્યારે હવે વ્હાઈટ હાઉસ પરિસરના ગેટ પર એક કારની જોરાદર ટક્કર થઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાલ અકસ્માત સર્જનાર ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. યુએસ સિક્રેટ સર્વિસ ચીફ ઓફ કોમ્યુનિકેશન્સ એન્થોની ગુગલેલમીના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારે રાત્રે (સ્થાનિક સમય અનુસાર) લગભગ 6 વાગ્યે બની હતી. આ ઘટના સમયે અમેરિકન પ્રમુખ જો બાયડેન વ્હાઈટ હાઉસમાં હાજર ન હતા.
આ પહેલા ગયા મહિને ડેલાવેરના એક વ્યક્તિએ નશામાં કાર ચલાવતા અમેરિકન પ્રમુખ જો બાયડેનના કાફલાને ટક્કર મારી દીધી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અમેરિકામાં પ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અગાઉ વર્ષ 2020માં વ્હાઇટ હાઉસ સ્થિત કેપિટોલ હિલમાં મોટી સંખ્યામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો.