રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન અમૃતસરથી અયોધ્યા સુધીના એરપોર્ટ બંધ કરી દેવા ખાલિસ્તાની આતંકીની ધમકી
નવી દિલ્હી
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમને લઈને તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. 500 વર્ષ રાહ જોયા બાદ 22 જાન્યુઆરીના રોજ રામલલા અયોધ્યાના મંદિરમાં વિરાજમાન થશે. આ ક્ષણની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી પન્નૂએ ભારતના વિરોધમાં ફરી એક વખત ઝેર ઓક્યુ છે. પન્નૂએ મુસ્લિમોને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનો વિરોધ કરવા માટે કહ્યું છે. એક વીડિયોમાં પન્નુએ કહ્યું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન અમૃતસરથી અયોધ્યા સુધીના એરપોર્ટ બંધ કરી દેવામાં આવશે.
પન્નૂએ પોતોના નવા વીડિયોમાં કહ્યું કે, મુસ્લિમો હવે સમય આવી ગયો છે કે, તમે ભારતમાં ઉર્દુસ્તાન બનાવો. 22 જાન્યુઆરીનો દિવસ મુસ્લિમો વિરુદ્ધ મોદીનું ઓપરેશન બ્લૂસ્ટાર છે. ઓપરેશન બ્લૂસ્ટાર અમૃતસરમાં ખાલિસ્તાની આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે ચલાવવામાં આવ્યુ હતું. આ ઓપરેશનમાં આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલે માર્યો ગયો હતો.
પન્નૂ ભારતને પોતાનો દુશ્મન માને છે. પન્નૂ વિરુદ્ધ ભારતમાં અનેક કેસો નોંધાયેલા છે. વર્ષ 2020માં પન્નૂને યુએપીએની કલમ હેઠળ આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો.