રામ મંદિરમાં તમામ ધર્મના લોકોને પ્રવેશ મળશેઃ મંદિર નિર્માણ અધ્યક્ષની સ્પષ્ટતા

Spread the love

મંદિરમાં આવવા માટે ધર્મ, જાતિ કે ઓળખ પત્રની જરૂર નથી, આ સનાતનનું મંદિર છે, અહીં તમામ લોકો આવી શકે છેઃ નૃપેન્દ્ર મિશ્રા


લખનૌ
રામ મંદિરના ઉદ્ધાટન પહેલા મંદિર નિર્માણના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરને લઈને તમામ જાણકારીઓ આપી છે.
500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે. મંદિરના પ્રથમ માળનું નિર્માણ કાર્ય પૂરુ થયા બાદ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ઉદ્ધાટન થવા જઈ રહ્યુ છે. તેના પહેલા મંદિર નિર્માણના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ પ્રમુખ સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યુ કે મંદિરમાં કયા ધર્મના લોકો પ્રવેશ કરી શકશે અને કયા ધર્મના લોકોને મંદિર પરિસરમાં પણ પ્રવેશ કરવાની પરવાનગી હશે નહીં.
નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યુ કે રામ મંદિરમાં તમામ લોકોને પ્રવેશ મળશે. કોઈને પણ મંદિરમાં આવવા માટે ધર્મ, જાતિ કે ઓળખ પત્રની જરૂર નથી. આ સનાતનનું મંદિર છે. અહીં તમામ લોકો આવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા આવશે તો તેમને તેમનો ધર્મ કે ઓળખ વિશે પૂછવામાં આવશે નહીં. કોઈના પણ પ્રવેશ પર પ્રતિબંધ નથી. મંદિરમાં બસ વર્તન પર રોક લગાવવામાં આવશે. જોકે, વર્તનની રોક ધર્મના આધારે કરવામાં આવશે નહીં.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોઈને પણ મોબાઈલ ફોન લઈ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. વીવીઆઈપી મહેમાન પણ મંદિરમાં ફોન લઈ જઈ શકશે નહીં. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારા કાર્યક્રમ દરમિયાન તમામ મહેમાનોએ વડાપ્રધાન આવ્યાના 3 કલાક પહેલા પહોંચવુ પડશે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે જણાવ્યુ કે સમારોહના દિવસે મંદિરની પૂજામાં કોઈ વધુ પરિવર્તન હશે નહીં અને તે જેવી રીતે ચાલે છે, તેવી જ રીતે ચાલશે. જોકે અહીં પૂજા-અર્ચના કરનાર પૂજારીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે. મંદિરમાં લોકો રાત્રે દસ વાગ્યા સુધી રામલલા દર્શન કરી શકશે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોર-શોરથી ચાલુ છે. 22 જાન્યુઆરીએ થનારા કાર્યક્રમ માટે મહેમાનોને આમંત્રણ પણ મોકલી દેવાયુ છે. આ સમારોહમાં સાધુ-સંતો સિવાય રાજકારણ, રમત-ગમત અને બોલીવુડની ઘણી હસ્તીઓ સામેલ થશે. આ સિવાય સમારોહમાં દેશના ઘણા મોટા ઉદ્યોગપતિઓને પણ બોલાવવામાં આવ્યા છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *