લાઈ ચીન સાથે એકીકરણના વિરોધી છે આથી તેઓ ચીનના બદલે અમેરિકા સાથે નિકટતા વધારવાના પક્ષમાં છે
તાઇપેઈ
23 મિલિયનની વસ્તીવાળા ટાપુ તાઇવાનમાં શનિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી, આ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ચીનના કટ્ટર વિરોધી સત્તાધારી પક્ષ ડીપીપીની જીત થઇ છે. અને ચીનને આડેહાથ લેનારા 64 વર્ષીય લાઇ ચિંગ તે તાઇવાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. સતત ત્રીજી વખત તેમના પક્ષે તાઇવાનમાં સત્તા પ્રાપ્ત કરી છે. ચીન વારંવાર તાઇવાન પર હુમલાની ધમકી આપતુ રહ્યું છે. આ ચૂંટણી પૂર્વે જ ચીને તાઇવાનની જનતાને ચીન વિરોધી નેતાને પસંદ ના કરવાની ધમકી પણ આપી હતી. જોકે તાઇવાનની જનતા આ ધમકીને ઘોળીને પી ગઇ અને ડ્રેગનને પડકાર ફેકવા તેના વિરોધી નેતાને દેશની કમાન સોંપી છે.
તેમની જીત બાદ ચીને કહ્યું કે ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીપીપી) જનતાના સામાન્ય અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતી નથી અને કોઈ પણ જીતે તો પણ તે ચીનના પુનઃ એકીકરણને અસર કરશે નહીં. લાઈ ચીન સાથે એકીકરણના વિરોધી છે આથી તેઓ ચીનના બદલે અમેરિકા સાથે નિકટતા વધારવાના પક્ષમાં છે. આથી જ ચીન તેમની પાર્ટીને અલગતાવાદી માને છે. 2017માં એક નિવેદન બાદથી ચીન લાઈને પોતાનો કટ્ટર દુશ્મન માને છે. વાસ્તવમાં, લાઈએ પોતાને તાઇવાનની સ્વતંત્રતા માટે એક કાર્યકર્તા ગણાવ્યા હતા. જેને લઈને ચીન ગુસ્સે ભરાયું હતું. ચીને આ પહેલા પણ ઘણી વખત કહ્યું છે કે તાઇવાનની આઝાદી તરફ કોઈ પણ પગલું ભરવાણી મતલબ યુદ્ધ છે.
આ ચુંટણી જીત્યા બાદ લાઇ એ સમર્થકો સામે કસમ ખાધી હતી કે, ‘તાઇવાન દુનિયાભરના લોકતંત્ર સાથે ખભે ખભા મિલાવવાનું ચાલુ રાખશે.’ આ સાથે જ તેમણે ચીન સાથેના વેપાર પર નિર્ભર તાઇવાનની સુરક્ષા અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની પ્રતિજ્ઞા લીધી છે.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેઇજિંગે માત્ર વારંવાર ડીપીપીની ટીકા જ નથી કરી પરંતુ ઘણી વખત લાઇ પર વ્યક્તિગત હુમલા પણ કર્યા છે. અગાઉ તાઇવાનના ઉપપ્રમુખ તરીકે, લાઇએ તાઇવાનના હિતોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવામાં મદદ કરી હતી.