બે દિવસ સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાયા બાદ કાટમાળમાંથી દટાયેલા લોકોને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યા
સિમિયુ
તાન્ઝાનિયાના સિમિયુ ક્ષેત્રમાં આવેલા બરિયાદી જિલ્લામાં એક ખાણમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 22 જેટલાં મજૂરો દટાઈ ગયા હતા જેમના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે. અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરા તફરી મચી ગઈ હતી. બે દિવસ સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાયા બાદ કાટમાળમાંથી દટાયેલા લોકોને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહ હસને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મને ખૂબ જ દુઃખ થઇ રહ્યું છે કે સિમિયુના બરિયાદી જિલ્લામાં નગાલાઈટ ખાણમાં ભૂસ્ખલનમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા. બે દિવસ સુધી રાહત અને બચાવ કામગીરી બાદ દટાયેલા લોકોને કાઢી લેવામાં સફળતા મળી.
અહેવાલો અનુસાર આ ઘટના વિશે વાત કરતાં ગોલ્ડ માઈનના અધ્યક્ષ માસુંબુકો જુમાનેએ કહ્યું કે આ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા હતા તે માઈનિંગ પ્રવૃત્તિઓ સસ્પેન્ડ થવાને કારણે ગેરકાયદે રીતે ખાણમાં પ્રવેશ્યા હતા. દુર્ઘટના થાય તે પહેલાં જ ખાણ મેનેજમેન્ટએ સુરક્ષાદળોના સહયોગથી ખાણમાં ઘૂસેલા અન્ય લોકોને હટાવી દીધા હતા.