શરદ પવારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને પત્ર લખી કાર્યક્રમમાં હાજર નહીં રહી શકે એમ જણાવ્યું
મુંબઈ
રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઘણા રાજનેતાઓને આમંત્રણ મોકલાયું છે. તેમાં કોંગ્રેસ સહિત વિપક્ષના ઘણા સાથીઓએ આમંત્રણ ફગાવતાં રામમંદિરના ઉદઘાટન સમારોહને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવી દીધો હતો. આ સૌની વચ્ચે વધુ એક દિગ્ગજ અને કદાવર નેતા શરદ પવારે હવે રામમંદિરનું આમંત્રણ સ્વીકાર્યું નથી.
રામમંદિરના ટ્રસ્ટે એનસીપી વડા શરદ પવારને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલ્યું હતું. તેના જવાબમાં શરદ પવારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તો હું નહીં આવી શકું પરંતુ હું મારી જાતે સમય કાઢીને પછીના કોઈ દિવસે દર્શન માટે આવીશ અને ત્યાં સુધી તો રામમંદિરનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ થઈ જશે.
કોંગ્રેસ, ટીએમસી, શિવસેના (યુબીટી) સહિત વિપક્ષના મોટાભાગના સાથીઓએ આ કાર્યક્રમથી અંતર જાળવવાની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ ગણાવ્યો હતો. દરમિયાન ગઇકાલે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રામ મંદિરના ઉદ્ઘાટન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આ એક એક રાજકીય કાર્યક્રમ બની ગયો છે. હિન્દુ ધર્મના અગ્રણી લોકો (શંકરાચાર્ય) પણ કહી ચૂક્યા છે કે આ કોઈ ધાર્મિક કાર્યક્રમ નથી.