ઇક્વિટી સેગમેન્ટમાં એનએસઈ હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે એટલે કે તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઇક્વિટી એક્સચેન્જ બની ગયું
નવી દિલ્હી
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય શેરબજારોનું વર્ચસ્વ ઝડપથી વધ્યું છે. માત્ર દોઢ મહિના પહેલા જ ભારતના મુખ્ય શેરબજારો બીએસઈ અને એનએસઈએ 4-4 ટ્રિલિયન ડૉલરની વેલ્યૂ પ્રાપ્ત કરી મોટી સિદ્ધી મેળવી હતી અને હવે એનએસઈના નામે વધુ એક મોટી સિદ્ધી નોંધાઈ છે.
ગત વર્ષે એનએસઈ એ ડેરિવેટિવ સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. 2023 માં એનએસઈ વિશ્વના સૌથી મોટા ડેરિવેટિવ એક્સચેન્જ તરીકે ઉભરી આવ્યું. આ સતત પાંચમું વર્ષ છે જ્યારે તે ડેરિવેટિવ સેગમેન્ટમાં વિશ્વભરમાં નંબર વન બન્યું છે. ઇક્વિટી સેગમેન્ટમાં એનએસઈ હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે એટલે કે તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઇક્વિટી એક્સચેન્જ બની ગયું છે.
એનએસઈએ ગુરુવારે મોડી સાંજે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં જણાવ્યું કે ટ્રેડ કરાયેલા કોન્ટ્રાક્ટની સંખ્યાના હિસાબે તે 2023 માં સતત પાંચમા વર્ષે વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ એક્સચેન્જ બની ગયું છે. એવી જ રીતે ઇલેક્ટ્રોનિક બુક ઓર્ડરની સંખ્યા મામલે તે 2023 માં ઇક્વિટી સેગમેન્ટમાં ત્રીજા સ્થાને છે. એનએસઈ એ તેના નિવેદનમાં ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા પ્રકાશિત કરાયેલા ડેટાનો હવાલો આપ્યો હતો.
હાલમાં એનએસઈ પર કુલ લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 7000ની નજીક પહોંચી ગઈ છે. જે ઝડપે નવી કંપનીઓ સતત આઈપીઓ લઈને આવી રહી છે અને શેરબજારોમાં લિસ્ટેડ થઈ રહી છે તે જોતાં આ વર્ષે લિસ્ટેડ કંપનીઓની કુલ સંખ્યા 7000ને પાર થઈ શકે છે. આ સાથે દેશના મુખ્ય શેરબજારો પૈકીના એક એનએસઈનું કુલ મૂલ્ય અને વેપાર વોલ્યુમ સતત વધતું રહેશે.