હુમલામાં કોઈ સૈનિકોની જાનહાનિ થવાના કે સૈનિકો ઘાયલ થવાના અહેવાલ મળ્યા નથી, બેઝને પણ હુમલાના કારણે ખાસ નુકસાન થયુ નથી
દમાસ્કસ
જોર્ડન બાદ હવે સિરિયામાં અમેરિકા તેમજ તેના સાથી રાષ્ટ્રોના મિલિટરી બેઝ પર રોકેટો વડે હુમલો કરવામાં આવ્યો છે.
રવિવારે જોર્ડનમાં અમેરિકન બેઝ પર થયેલા ડ્રોન એટેકમાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત થયા હતા અને આ હુમલા બાદ અમેરિકા બદલો લેવાની વાત કરી રહ્યુ છે ત્યાં તો સિરિયામાં પણ અમેરિકન બેઝને ટાર્ગેટ બનાવવામાં આવ્યુ છે.
આ હુમલો સિરિયાના શાદાદી ખાતેના બેઝ પર થયો હતો.જોકે આ હુમલામાં કોઈ સૈનિકોની જાનહાનિ થવાના કે સૈનિકો ઘાયલ થવાના અહેવાલ મળ્યા નથી.બેઝને પણ હુમલાના કારણે ખાસ નુકસાન થયુ નથી.
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે જંગ છેડાયા બાદ હવે અમેરિકન સેના પર ઈરાક અને સિરિયામાં હુમલા વધી ગયા છે.મોટાભાગના હુમલાની જવાબદારી એ સંગઠનોએ લીધી છે જે ગાઝા સંઘર્ષમાં ઈઝરાયેલ અને અમેરિકાનો વિરોધ કરી રહ્યા છે.
ઓકટોબરથી અમેરિકા અને તેના મિત્ર રાષ્ટ્રોની સેના પર 165 હુમલા થયા છે.જેમાં ઈરાકમાં 66, સિરિયામાં 98 તથા જોર્ડનમાં એક હુમલાનો સમાવેશ થાય છે.હુમલામાં ડ્રોન, રોકેટ, મોર્ટાર અને ટુંકા અંતરની મિસાઈલોનો પણ થયો છે.
ઈસ્લામિક સ્ટેટ સામે લડાઈ માટેના આંતરરાષ્ટ્રીય ગઠબંધનના હિસ્સો હોવાના નાતે ઈરાકમાં 2500 અને સિરિયામાં 800 જેટલા અમેરિકન સૈનિકો તૈનાત છે.