એફ-16 ક્રેશ થવાની બે મહિનામાં આ બીજી ઘટના બની જેણે હવે આ વિમાનોની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા
વોશિંગ્ટન
દુનિયામાં સૌથી વધારે વેચાયેલા લડાકુ વિમાનોમાં અમેરિકાના તેજ તર્રાર એફ-16નો પણ સમાવેશ થાય છે. જોકે આજકાલ આ વિમાનો માટે સારો સમય નથી ચાલી રહ્યો. લેટેસ્ટ મામલામાં દક્ષિણ કોરિયાના દરિયા કિનારા પાસે બુધવારે અમેરિકન એફ-16 વિમાન તુટી પડયુ હતુ. એફ-16 ક્રેશ થવાની બે મહિનામાં આ બીજી ઘટના બની છે. જેણે હવે આ વિમાનોની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે.
મળતી વિગતો પ્રમાણે આઠમી ફાઈટર વિંગના એફ-16 વિમાને ઉડાન ભરી હતી અને પાયલોટે વિમાનમાં ખરાબી સર્જાઈ હોવાનો અનુભવ કર્યો હતો. એ પછી પાયલોટ પોતે વિમાનની બહાર નીકળી ગયો હતો અને વિમાન દક્ષિણ કોરિયાના ગનસન નામના શહેર પાસે દરિયામાં તુટી પડ્યુ હતુ.
એક નિવેદન પ્રમાણે પાયલોટનુ રેસ્ક્યુ કરાયુ હતુ અને તે વખતે તે હોશમાં હતો. તેને મેડિકલ ચેક અપ માટે હોસ્પિટલ લઈ જવાયો છે. અધિકારીઓનુ કહેવુ છે કે, વિમાનનો કાટમાળ શોધી કાઢવામાં આવ્યા બાદ વિમાનના તુટી પડવાના કારણની તપાસ થશે. આ પહેલા દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલ પાસે એક એફ-16 વિમાન ક્રેશ થયુ હતુ. આ વિમાન અમેરિકન વાયુસેનાનુ હતુ.