માલદીવમાં અને ભારત વિરોધી મોહમ્મદ મોઈજ્જુની પાર્ટી સત્તા પર આવી છે ત્યારથી શરુ થયેલી ઉથલ પાથલ હવે લોહિયાળ સ્વરુપ ધારણ કરી રહી છે

માલી
માલદીવના રાજકીય પક્ષો આજકાલ ભારત વિરોધી અને ભારત તરફી એમ બે છાવણીમાં વહેંચાઈ ગયા છે અને તેના કારણે માલદીવમાં ભારે તનાવ પણ છે. આ દરમિયાન ભારત સમર્થક હુસૈન શમીમ પર અજાણ્યા લોકોએ ચાકુ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. હુસૈન શમીમની નિમણૂક અગાઉની ભારત સમર્થક શાસક પાર્ટી એમડીપીએ કરી હતી. જોકે હવે માલદીવમાં સત્તા બદલાઈ છે અને ભારત વિરોધી મોહમ્મદ મોઈજ્જુની પાર્ટી સત્તા પર આવી છે ત્યારથી માલદીવના રાજકારણમાં શરુ થયેલી ઉથલ પાથલ હવે લોહિયાળ સ્વરુપ ધારણ કરી રહી છે.
પહેલા સંસદમાં મારામારી થઈ હતી અને હવે રસ્તા પર ચાકુ વડે હુમલા સુધી વાત પહોંચી ગઈ છે. પ્રોસિક્યુટર જનરલ હુસૈન શમીમ પર ધોળા દિવસે ચાકુ વડે હમલો થયો છે. જોકે આ હુમલાનુ કારણ રાજકીય અદાવત છે કે પછી બીજુ કોઈ કારણ જવાબદાર છે તે અંગેની જાણકારી હજી સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે, મુઈજ્જુના ભારત વિરોધી વલણ બાદ હવે વિપક્ષી પાર્ટી અને ભારત તરફી એમડીપી દ્વારા મોઈજ્જુ અને તેમની સરકાર સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહી કરવાની જાહેરાત કરાઈ છે. બહુ ઝડપથી આ માટેનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ મુઈજ્જુએ આ કાર્યવાહી રોકવા માટે દેશની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. સંસદમાં ભારત તરફી એમડીપી એટલે કે માલદીવયન ડેમોક્રેટિક પાર્ટી અને તેના ગઠબંધન પાસે બહુમતી છે. જેના કારણે તેઓ મુઈજ્જુ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરાવી શકે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે તેમ છે.