છેલ્લા ત્રણ સત્રમાં પેટીએમનો શેર 42 ટકા ઘટી ગયો છે જેના કારણે રોકાણકારોના 20,500 કરોડથી વધારે રૂપિયાનું ધોવાણ થયું
નવી દિલ્હી
ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ પર રિઝર્વ બેન્કે આકરા નિયંત્રણો લાદ્યા પછી આ શેર સતત ઘટતો જાય છે. બે દિવસ સુધી 20-20 ટકાની લોઅર સર્કિટ લાગ્યા પછી પેટીએમમાં હવે 10 ટકાનો કડાકો આવ્યો છે. છેલ્લા ત્રણ સત્રમાં આ શેર 42 ટકા ઘટી ગયો છે જેના કારણે રોકાણકારોના 20,500 કરોડથી વધારે રૂપિયાનું ધોવાણ થયું છે. સોમવારે બજાર ખુલતા જ પેટીએમમાં 10 ટકાની નીચલી સર્કિટ લાગી હતી અને શેરનો ભાવ ઘટીને 438.35 પર પહોંચી ગયો હતો. પેટીએમ પર મની લોન્ડરિંગના નવા આરોપો લાગ્યા છે અને ઈડી દ્વારા તપાસ થવાની શક્યતા છે. છેલ્લા ત્રણ સત્રથી પેટીએમમાં લોઅર સર્કિટ લાગી રહી છે.
પેટીએમમાં 20 ટકાની બે સળંગ સર્કિટ પછી સ્ટોક માર્કેટે લોઅર સર્કિટ લિમિટ ઘટાડીને 10 ટકા કરી છે. એક્સપર્ટ માને છે કે આ ભાવે પણ પેટીએમમાં બોટમ ફિશિંગ કરવાની તક ટાળવી જોઈએ કારણ કે શેર કઈ દિશામાં જશે તે નક્કી નથી. એક્સિસ સિક્યોરિટીઝના રાજેશ પાલવિયા જણાવે છે કે હાલમાં શેરને નીચા ભાવે ખરીદવાની લાલચ ટાળવી જોઈએ કારણ કે અત્યાર સુધીમાં જે નેગેટિવ ન્યૂઝ આવ્યા છે તે હજુ બજારે પચાવ્યા નથી. જે લોકો આ શેરમાં ફસાઈ ગયા છે તેઓ નીકળી જવા માગે છે. પેટીએમ જ્યારે નફાકારકતા તરફ આગળ વધતી હતી ત્યારે આ શેર ખરીદવાની સલાહ આપનારા બ્રોકરેજિસ હવે જેમ બને તેમ શેર વેચી નાખવાની સલાહ આપે છે. આરબીઆઈએ 31 જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ બેન્ક પર પ્રતિબંધ મૂક્યો તેના કારણ હવે કંપનીના અસ્તિત્વ સામે સવાલ પેદા થઈ શકે છે.
ત્યાર પછી એવા અહેવાલો આવ્યા છે કે પેટીએમ સામે મની લોન્ડરિંગ અને ગેરકાયદે સટ્ટાબાજીના આરોપો છે અને તેની સામે ઈડી તપાસ કરી રહી છે.
પેટીએમ શેરની 52 વીકની હાઈ સપાટી રૂ. 998 છે જ્યારે બાવન અઠવાડિયાની નીચી સપાટી રૂ. 438 છે જે આજે બની છે. છેલ્લા એક વર્ષમાં આ શેરના ભાવમાં 21 ટકાનો ઘટાડો થયો છે જ્યારે ત્રણ દિવસની અંદર શેર 42 ટકા કરતા વધારે ગગડ્યો છે.
પેટીએમ વિશે નેગેટિવ રિપોર્ટ આવ્યા ત્યારે જ મોટા ભાગના બ્રોકરેજિસે શેર માટે ટાર્ગેટભાવમાં ઘટાડો કર્યો હતો. પરંતુ ત્યાર પછી ત્રણ સત્રમાં આ શેર ટાર્ગેટ કરતા પણ નીચે જતો રહ્યો છે. પેટીએમે આશા વ્યક્ત કરી છે કે 29 ફેબ્રુઆરી સુધીમાં તે તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી શકશે અને આરબીઆઈના પ્રતિબંધો હટાવી લેવામાં આવશે. પરંતુ અત્યારની સ્થિતિ જોતા આ કામ મુશ્કેલ લાગે છે.