ઓએનડીસી પર પીડીએસ દુકાનો દ્વારા કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સને ઓનલાઈન વેચવાની યોજનાનું પરીક્ષણ કરી રહી છે
નવી દિલ્હી
આગામી દિવસોમાં ઈ-કોમર્સ કંપનીઓને પીડીએસ દુકાનોની આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જે માટે સરકારે નવી યોજના બનાવી છે. સરકાર તપાસ કરી રહી છે કે શું સરકારી રાશનની દુકાનો એટલે કે પીડીએસની દુકાનો કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ ઓનલાઈન વેચી શકે છે.
ઓએનડીસી એ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. એક સમાચારપત્રના અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર ઓએનડીસી પર પીડીએસ દુકાનો દ્વારા કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સને ઓનલાઈન વેચવાની યોજનાનું પરીક્ષણ કરી રહી છે. ઓએનડીસી એ ઈ-કોમર્સના યુપીઆઈ તરીકે ઓળખાય છે. તેનો હેતુ ઈ-કોમર્સમાં ખાનગી કંપનીઓનું વર્ચસ્વ ખતમ કરવાનો છે.
પીડીએસ દુકાનો એટલે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકાર હાલ રાશન એટલે કે અનાજ અને અન્ય ચીજવસ્તુઓ વેચે છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે હવે પીડીએસ દુકાનો દ્વારા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનાં વેચાણનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ પરીક્ષણ હિમાચલ પ્રદેશના ઉના અને હમીરપુર જિલ્લામાંથી શરૂ કરવામાં આવ્યું છે.
જો કેન્દ્ર સરકારનું આ પરીક્ષણ સફળ થશે તો આવનાર દિવસોમાં પીડીએસની દુકાનોમાંથી લોકો ઓનલાઈન ટૂથબ્રશ, સાબુ અને શેમ્પૂ જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સામાન ખરીદી શકશે. તેમજ ઓએનડીસી અને પીડીએસ દુકાનોની આ ભાગીદારી ઈ-કોમર્સ કંપનીઓ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
અહેવાલ મુજબ, આ યોજનાની શરૂઆત ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ 11 વાજબી ભાવની દુકાનોથી કરી છે. પરીક્ષણના સફળ પરિણામો પછી, આ યોજનાને પહેલા સમગ્ર હિમાચલ પ્રદેશમાં લાગુ કરવામાં આવશે અને બાદમાં તેને સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે.