હેલિકોપ્ટર કેલિફોર્નિયાથી ઉડાન દરમિયાન ગાયબ થઈ ગયું હતું, આ હેલિકોપ્ટર સીએચ-53ઈ સુપર સ્ટેલિયન છે
સાન ડિયાગો
યુએસ મરીન કોર્પ્સનું હેલિકોપ્ટર ગાયબ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. બચાવ ટીમ આ હેલિકોપ્ટરની શોધ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર કેલિફોર્નિયાથી ઉડાન દરમિયાન ગાયબ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટર સીએચ-53ઈ સુપર સ્ટેલિયન છે.
સાન ડિએગો નજીકના મરીન કોર્પ્સ એર સ્ટેશન મીરામાર દ્વારા બુધવારે આ હેલિકોપ્ટર ગાયબ થયાની જાણ કરવામાં આવી હતી. હેલિકોપ્ટરમાં પાંચ મરીન મુસાફરી કરી રહ્યા હતા. હેલિકોપ્ટરે લાસ વેગાસ નજીકના એરબેઝ પરથી ઉડાન ભરી હતી. સાન ડિએગો કાઉન્ટી શેરિફ વિભાગ શોધમાં મદદ કરી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સ્થાનિક સમય અનુસાર સવારે 2:20 વાગ્યે ગુમ થયેલા હેલિકોપ્ટર અંગે ફાયર ફાઈટર્સને એલર્ટ કરવામાં આવ્યા હતા. બચાવ કર્મીને કેલિફોર્નિયાના લેક મરિના નજીકના વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. જો કે, તેઓને હેલિકોપ્ટર કે તેમાં સવાર મરીન મળ્યા ન હતા.
આ સમગ્ર બચાવ કાર્યમાં સૌથી મોટી સમસ્યા ભારે હિમવર્ષા અને ઠંડી છે. જેના કારણે રેસ્ક્યુ ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં હિમવર્ષા વચ્ચે આ ઘટના બની છે. પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને કેટલાક ઇંચ હિમવર્ષાના અહેવાલ છે. આ કારણે રેસ્ક્યું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે.
નોંધનીય છે કે આ હેલિકોપ્ટરને સૌથી પહેલા 1981માં શરુ કરવામાં આવ્યું હતું. સીએચ-53ઈ સુપર સ્ટેલિયનને મરીન કોર્પ્સનો મુખ્ય આધાર માનવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ પરિવહન માટે થતો હોવા છતાં, તેણે ઘણા મિશનમાં પણ મોટી ભૂમિકા ભજવી છે. તેમાં 37 જેટલા મુસાફરોને લઈ જવાની ક્ષમતા પણ છે.