આતંકીઓએ પહેલા આઈઈડી બ્લાસ્ટ કર્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો, હુમલાખોરોનો 30 મિનિટથી વધુ સમય સુધી સતત ગોળીબાર
ઈસ્લામાબાદ
પાકિસ્તાનમાં નવી સરકાર ચૂંટવા માટે સવારથી મતદાન ચાલુ છે ત્યારે બપોરના સમયે એક મોટા આતંકી હુમલાના અહેવાલ મળી રહ્યા છે. આતંકીઓએ ખૈબર પખ્તૂનખ્વાંના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના કુલાચીમાં એક પોલીસ મોબાઈલ વાનને નિશાન બનાવી હતી. આતંકીઓએ પહેલા આઈઈડી બ્લાસ્ટ કર્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 5 પોલીસકર્મીઓ મૃત્યુ પામી ચૂક્યાના અહેવાલ છે જ્યારે અન્ય 2 ઘવાયા હતા.
હુમલાખોરોએ 30 મિનિટથી વધુ સમય સુધી સતત ગોળીબાર કરતાં પહેલા એક ઈમરજન્સી વિસ્ફોટક ડિવાઈસ પણ ગોઠવી દીધું હતું. આ વિસ્ફોટને લીધે ગાડીનું કચ્ચરઘાણ વળી ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગઇકાલે મોટો આતંકી હુમલો થયો હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાની નિંદા કરીને શહીદ પોલીસકર્મીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સુરક્ષા દળોને આતંકવાદીઓને પકડવા માટે દરેક સંભવ પ્રયાસ કરવા સૂચના આપી છે.
પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. પેશાવર, કરાચીથી લઈને ઈસ્લામાબાદ અને લાહોર સુધી મતદાન ચાલુ છે. પડોશી દેશમાં આતંકવાદી હુમલા, વિપક્ષી નેતાઓની હત્યા અને પૂર્વ પીએમ ઈમરાન ખાનને જેલમાં ધકેલી દેવાની ઘટનાઓ વચ્ચે ચૂંટણીઓ માટેનું મતદાન થઈ રહ્યું છે. આ હિંસક વાતાવરણ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે પણ ચૂંટણીને લઈને શંકા વ્યક્ત કરી છે. અત્યાર સુધી થયેલા 24 આતંકવાદી હુમલાઓનો ઉલ્લેખ કરતા યુએનએ પણ અગાઉ કહ્યું હતું કે આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા હોવી ચિંતાનો વિષય છે. આ ઉપરાંત યુએનએ ખૈબર પખ્તૂનખ્વાંમાં ઘણી પાર્ટીઓના ઉમેદવારોની હત્યા પર પણ સવાલ ઉઠાવ્યા છે.