ગ્રામીણ માંગમાં તેજી યથાવત્ છે, જ્યારે શહેરી વપરાશમાં મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને મૂડી ખર્ચ વધતા રોકાણ ચક્રમાં ગતિ પકડી રહ્યુઃ દાસ
નવી દિલ્હી
ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા સાત ટકાના વિકાસ દરે વધવાનો અંદાજ મુક્યો છે. અગાઉ વર્તમાન નાણાંકીય વર્ષમાં 7.3 ટકાનો અંદાજ મુકાયો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે દર બે મહિને યોજાતી મૉનેટરી પૉલિસીની બેઠકમાં કહ્યું કે, ગ્રામીણ માંગમાં તેજી યથાવત્ છે, જ્યારે શહેરી વપરાશમાં મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને મૂડી ખર્ચ વધતા રોકાણ ચક્રમાં ગતિ પકડી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ખાનગી રોકાણમાં વધારો થવાનો સંકેત જોવા મળી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2024-25 માટે જીડીપીમાં સાત ટકા પર પહોંચવાનો અંદાજ છે. દેશનો વિકાસ દર જૂન ક્વાર્ટરમાં 7.2 ટકા અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.8 ટકા રહેવાનો અંદાજ છે.
દાસે કહ્યું કે, સ્થાનિક આર્થિક ગતિવિધિઓમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (એનએસઓ)ના અંદાજ મુજબ, વર્તમાન નાણાંકીય વર્ષમાં વૃદ્ધિ દર 7.3 ટકા છે. ગત નાણાંકીય વર્ષની જેમ વર્તમાન નાણાંકીય વર્ષમાં પણ ગતિ યથાવત્ રહેવાની આશા છે. ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 622.5 અબજ ડૉલર પર પહોંચી ગયો છે, જે તમામ વિદેશી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવામાં પર્યાપ્ત છે.
આ અગાઉ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગે માહિતી આપી છે. સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. પહેલાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રેપો રેટને સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યા છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ છેલ્લે 2023ની 8 ફેબ્રુઆરીએ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. વચગાળાના બજેટ બાદ આરબીઆઈ એમપીસીની આ પ્રથમ બેઠક છે.