મણિપુરના એકમાત્ર મહિલા પ્રધાન નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને બળવાખોરોનો હુમલો, હજુ સુધી કોઈ જૂથે આ ઘટનાની જવાબદારી લીધી નથી
ઈમ્ફાલ
મણિપુરમાં હિંસા ફરી વકરી રહી છે. ગત રાત્રે મણિપુરના એકમાત્ર મહિલા પ્રધાન નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને બળવાખોરોએ આગ લગાવી દીધી હતી. જોકે ઘટના સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી છે. કિપગેન કુકી સમુદાયના નેતા છે. હજુ સુધી કોઈ જૂથે આ ઘટનાની જવાબદારી લીધી નથી. વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વમાં સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
નેમચા કિપગેન એ 10 કુકી વિધાનસભ્યોમાં સામેલ છે જેમણે કુકી વિસ્તારો માટે અલગ વહીવટની માંગ કરી છે. રાજ્યમાં તાજેતરની હિંસામાં 10 લોકોના મોત થયા છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
કુકી અને મેઇતેઇ બંને સમુદાયોએ સરકાર દ્વારા જારી કરાયેલી શાંતિ પહેલનો બહિષ્કાર કર્યો છે. કુકી જૂથોએ મુખ્ય પ્રધાન એન બિરેન સિંહના સમાવેશ પર નારાજગી વ્યક્ત કરી હતી. અગ્રણી મેઇતેઇ નાગરિક સમાજ જૂથોમાંના એકે તેના કન્વીનર જિતેન્દ્ર નિંગોમ્બાની સભ્ય તરીકે નિમણૂકને નકારી કાઢી. મેઇતેઇ જૂથે શાંતિ સમિતિનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો.
મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જાની મેઇતેઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યા બાદ હિંસક અથડામણો ફાટી નીકળી હતી. જેમાં હજુ સુધી 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 310 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સિવાય હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.