પાટણ જિલ્લામાં 17મી સુધી શાળાઓ બંધ, કચ્છ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી કુલ 94000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા
અમદાવાદ
હવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર બિપરજોય વાવાઝોડું હવે જખૌથી ફક્ત 110 કિલોમીટર દૂર રહી ગયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી ફક્ત 160 કિલોમીટરનું જ અંતર રહી ગયું છે.
દ્વારકામાં એટલી હદે પવન ફૂંકાઈ રહ્યો છે કે જેના કારણે મીઠાપુરમાં ટાટાના પ્લાન્ટનો શેડ જ ઊડી ગયો હતો. એનડીઆરએફની ટીમના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર વાવાઝોડું હવે જખૌથી ફક્ત 120 કિ.મી. દૂર રહી ગયું છે.
અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. એસ.જી. હાઈવે સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિએ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે જખૌ પોર્ટથી વાવાઝોડું ફક્ત 140 કિલોમીટર જ દૂર રહી ગયું છે. જ્યારે પોરબંદરથી 290 કિ.મી. દૂર છે. તેનો ઘેરાવ 50 કિલોમીટરનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બિપરજોય દર કલાકે 8 કિ.મી. આગળ વધી રહ્યું છે. તેની ઝડપ વધી ગઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી બેઠક દરમિયાન વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અને પૂર્વાનુમાન ઉપરાંત તંત્ર દ્વારા નાગરિકોના સ્થાળાંતર, વીજ અને પાણી પૂરવઠો, સંદેશાવ્યવહાર, વન્યજીવોની સુરક્ષા જેવી પહેલાથી કરાયેલી તૈયારીઓની વિગતો મેળવીને તેના પર જરૂરી ચર્ચા વિચારણાં બાદ સૂચનો કરાયા હતા.
જામનગર શહેરમાં વાવાઝોડાની માઠી અસર જોવા મળી છે. અહીં 5 દિવસ દરમિયાન 95 થી વધુ ઝાડ જમીનદોસ્ત થઈ ગયા હોવાના અહેવાલો મળ્યા છે. છેલ્લા 5 દિવસથી ભારે પવનના કારણે અનેક સ્થળે ઝાડ પડી ગયાના અહેવાલો પછી મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી જુદા જુદા વિસ્તારોમાં દોડતી થઈ છે, અને જાહેર માર્ગ પર પડેલા ઝાડની ડાળીઓ વગેરેને દૂર કરવા માટેની કવાયત હાથ ધરી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની અસર રવિવારથી જોવા મળી હતી, અને બન્ને જિલ્લાના 734 ગામોમાં તોફાની વંટોળીયા સાથેના પવન ને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. 382 ગામમાં વીજ પુરવઠો કાર્યરત થઈ ગયો છે, જ્યારે 352 ગામોમાં સમારકામ ની પ્રક્રિયા ચાલી રહી છે. 5 દિવસ દરમિયાન કુલ 1104 વીજ થાંભલાઓ પડી ગયા હતા, જ્યારે 28 વિજ ટ્રાન્સફોર્મર જમીન દોસ્ત થયા છે જેના કારણે 2 કરોડ 18 લાખની નુકસાની થઈ છે.
માહિતી અનુસાર અત્યાર સુધીમાં કચ્છ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી કુલ 94000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. સૌથી વધુ કચ્છમાંથી 46823 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ તે વધારે ગંભીર થતું જઈ રહ્યું છે. આ દરમિયાન જામનગરના રોઝી બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ વાવાઝોડાંના ગંભીર થવાના સંકેત આપે છે.
અમદાવાદ પોલીસની જાહેરાત અનુસાર જો શહેરમાં વધુ વરસાદ પડશે તો વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખી તમામ અંડરબ્રિજ બંધ કરી દેવાશે. સ્થાનિકોને અંડરબ્રિજનો ઉપયોગ ન કરવા પોલીસે સૂચના આપી છે.
પાટણ જિલ્લામાં શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામા હેઠળ રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં 15 થી 17 જૂન સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે.
હવામાન વિભાગની અનુસાર, સાયક્લોનના લેન્ડફોલ બાદ કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ,અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર, બોટાદ, દિવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન એવા અહેવાલ મળ્યા છે કે બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલમાં વિલંબ થઈ શકે છે. તે સાંજે કે પછી મોડી રાતે લેન્ડફોલ કરશે તેવી શક્યતા છે. વાવાઝોડું રાત્રે 8-30 થી 9 વાગ્યા વચ્ચે ટકરાઈ શકે છે. પવનની ઝડપ 115થી 125 પ્રતિકલાક રહી શકે છે. વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ટકરાશે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર વાવાઝોડું થોડુંક ધીમું પડ્યું છે. જેના લીધે તે ગુજરાતના તટથી ટકરાવામાં વિલંબ કરી શકે છે. આ સાથે અહેવાલ એવા પણ છે કે અમદાવાદમાં પણ વાવાઝોડાંની અસર જોવા મળી શકે છે.