વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જૂઠા વાયદા અને દેશવાસીઓની ભાવનાઓ સાથે ખિલવાડ કરીને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો
અંબિકાપુર
ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ૨૫ હજારથી વધુ ખેડૂતો દિલ્હીની સરહદોની આસપાસ પહોંચી ગયા છે, જોકે આ દરમિયાન હરિયાણા સરહદે પોલીસ સાથે ખેડૂતોનું ભારે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતો પર ડ્રોનની મદદથી આંસુ ગેસના શેલનો મારો ચલાવ્યો હતો. ત્યારે હવે ખેડૂતોના આંદોલન વચ્ચે કોંગ્રેસે એક ગેરેંટી આપી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ છત્તીસગઢના અંબિકાપુરમાં કહ્યું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર બનશે તો અમે દેશમાં એમએસપીનો કાનૂની અધિકાર આપીશું.
આ વાયદો કરતા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર પણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જૂઠા વાયદા અને દેશવાસીઓની ભાવનાઓ સાથે ખિલવાડ કરીને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, એમએસપીની ગેરેંટી 15 કરોડ ખેડૂત પરિવારોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરી તેમના જીવનને બદલી નાખશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરી રહેલા રાહુલે અંબિકાપુરમાં આયોજિત સામાન્ય સભામાં કહ્યું હતું કે અમારો મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવી રહ્યો છે પરંતુ આજે હું જાહેર કરું છું કે જો અમારી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવશે તો માત્ર એમએસપીની ગેરેંટી જ નહીં આપીશું પરંતુ સ્વામીનાથનની ભલામણોને પણ લાગુ કરીશું.
જાતિ આધારિત ગણતરીની ફરીથી હિમાયત કરતાં તેમણે કહ્યું કે દેશના 1% લોકો પાસે સંપૂર્ણ સિસ્ટમ છે તેથી અમે તેના દ્વારા સામાજિક અને આર્થિક એક્સ-રે કરવા માંગીએ છીએ. છત્તીસગઢના કોંગ્રેસીઓને બબ્બર શેરની સંજ્ઞા આપતા તેમણે કહ્યું કે, અમે અમારા કાર્યકર્તાઓના બળ પર વિચારધારાની લડાઈ લડતા રહીશું. આ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે મણિપુરને ભાજપે સળગાવી દીધુ છે. ત્યાં સિવિલ વોર ચાલી રહ્યું છે પરંતુ વડાપ્રધાન ત્યાં ન ગયા.