આપના ત્રણ કાઉન્સિલરોના આગમન સાથે હવે ભાજપના કાઉન્સિલરોની સંખ્યા વધીને 17 થઈ, તેમની પાસે 1 એમપીનો વોટ પણ છે
ચંદીગઢ
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ગેરરીતિનો આરોપ લગાવી સુપ્રીમ કોર્ટની શરણ લીધી હતી. બંને પક્ષોએ ભાજપ સામે છેતરપિંડી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે આજે ફરી સુનાવણી થવાની છે. સુનાવણી પહેલા ચંદીગઢના નવા ચૂંટાયેલા મેયર મનોજ સોનકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
આ સૌની વચ્ચે આપના ત્રણ કાઉન્સિલરો નેહા મુસાવત, ગુરચરણ કાલા અને પૂનમ દેવીના પક્ષપલટાથી ચંદીગઢ મેયરની ચૂંટણીનો આખો ખેલ બદલાઈ ગયો છે. આમ આદમીના ત્રણેય કાઉન્સિલરો રવિવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ સૂદે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું અને કહ્યું કે કાઉન્સિલરોને સંપૂર્ણ સન્માન મળશે અને તેમને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવશે.
આપના ત્રણ કાઉન્સિલરોના આગમન સાથે હવે ભાજપના કાઉન્સિલરોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે, જ્યારે તેમની પાસે 1 એમપી (ચંદીગઢના ભાજપ એમપી કિરણ ખૈર)નો વોટ પણ છે. આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલી મેયરની ચૂંટણી દરમિયાન શિરોમણી અકાલી દળના એકમાત્ર કાઉન્સિલરે પણ ભાજપને સમર્થન આપ્યું હતું. એટલે કે ભાજપ પાસે હવે કુલ 19 મત છે અને તે સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.
ત્રણ કાઉન્સિલરોના પક્ષપલટા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતોની સંખ્યા 20થી ઘટીને 17 થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસના 7 અને આપના 10 કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 35 કાઉન્સિલર છે, જ્યારે એક સાંસદ તરીકેના વોટથી 36 વોટ થઈ જાય છે. આ રીતે બહુમતનો આંકડો 19 પર પહોંચી ગયો છે, જ્યારે ભાજપને 20 મતો મળ્યા છે.