બિપરજોયનું 1700થી વધુ ગામો, 75 દરિયાકાંઠા, 41 બંદરો પર જોખમ

Spread the love

જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિતના દરિયાઓનું રૌદ્ર સ્વરૂપ, મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ, કચ્છમાં રસ્તાઓ સુમસામ, ઉત્તર ગુજરાત માટે આવતીકાલનો દિવસ ભારે


અમદાવાદ
ગુજરાત પર આવી રહેલી ઘાત બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના તમામ દરિયાકાંઠાઓ પર તંત્ર હાઈએલર્ટ પર છે. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ, એસડીઆરએફ ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ પણ તૈનાત છે, તો વિવિધ જિલ્લાઓનું વહિવટી તંત્ર પણ ખડેપગે રહી તમામ પ્રકારના સાવચેતીના પગલા લઈ રહ્યા છે. વાવાઝોડાનું સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જામનગરના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે, જેને ધ્યાને રાખી રોઝી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જિલ્લાના રોઝી બંદરના દરિયામાં ભારે કરંટ ધ્યાને આવ્યા બાદ તુરંત 10 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવાયું છે.
વાવાઝોડું ટકરાય તે પહેલા ગીર સોમનાથના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગીર સોમનાથનો દરિયો ગાંડોતુર બન્યો છે અને દરિયામાં આવેલો કરંટ છેક માછીમારોની બોટ સુધી જોવા મળ્યો છે. તો સુરક્ષિત સ્થાનો પર ગોઠવાયેલી બોટો સુધી દરિયાનું પાણી પહોંચી જતાં માછીમારો ચિંતિત થયા છે.
બિપરજોય વાવાઝોડાની અસર પોરબંદરમાં પણ જોવા મળી રહી છે. અહીંનો માધવપુર દરિયો ગાંડોતૂર બનતા વહિવટીતંત્ર સાવચેતીના પગલા ભરી રહી છે. દરમિયાન અહીં 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો દરિયામાં 20થી 25 ફુટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે.
વાવાઝોડાને પગલે જૂનાગઢની સ્થિતિની વાત કરીએ તો અહીં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. જ્યારે અહીંના માગરોળ દરિયામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભારે પવન વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. માગરોળ દરિયાના વહેણ ઉછળી ઉછળીને બહાર આવી રહ્યા છે.
બિપરજોય વાવાઝોડાની અસર સાબરકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. અહીં સતત ભારે પવન ફુંકાઈ રહ્યો છે, આ ભારે પવન વચ્ચે વરસાદે માજા મુકી છે. ધનપુરા, રામપુરા, ગાંભોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મલી રહ્યા છે, તો હિંમતનગરમાં ધોધમાર વરસાદે લોકોને દોડતા કરી દીધા છે. વાવાઝોડાના કારણે પવનની ગતિ વધતા વાહનચાલકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
તો હાલ મળતા અહેવાલો મુજબ સૌરાષ્ટ્ર-કચ્છનો ગાડોતુર બન્યો છે… તેમજ ભારે પવન ફુંકાવાના કારણે લોકોએ બહાર નિકળવાનું પણ ટાળી દીધું હોય તેમ અહીંના રોડ-રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. કચ્છમાં પવનની ગતિ પ્રતિ કલાકે 115-125 કિલોમીટરે ફુંકાવાની સંભાવના છે, ત્યારે આજે બપોર બાદ નવલખી અને કંડલા દરિયાકાંઠે 2થી 3 માળ ઊંચા મોજાં ઊછળી રહ્યા છે. દરમિયાન વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખી NDRFની કચ્છમાં 6 ટીમો જ્યારે SDRFની 2 ટીમો તૈનાત કરાઈ છે.
આજે સૌરાષ્ટ્રના-કચ્છમાં જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડવાની પણ આગાહી કરાઈ છે.
બિપોરજોય વાવાઝોડાના કારણે આવતીકાલ 16મી જૂને ઉત્તર ગુજરાત માટે ભારે દિવસ રહેવાની આગાહી છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, કચ્છ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા સહિત મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ તથા સૌરાષ્ટ્રમાં જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની આગાહી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *