બિપરજોયના લેન્ડફોલ બાદ જામનગર, દ્વારકા અને કચ્છમાં સૌથી વધુ સહિત રાજ્યના 117 તાલુકામાં વરસાદ

Spread the love

વાવાઝોડું ત્રાટક્યા બાદ 29 હજારથી પણ વધુ લોકો પ્રભાવિત થયા અને 25 જેટલાં ગામો તેની ચપેટમાં આવ્યા, વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું, આજે સ્થિતિ સામાન્ય થવાની શક્યતા


અમદાવાદ
અરબ સાગરમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું 15 જૂન ગુરુવારની રાત્રે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. બિપોરજોય વાવાઝોડું ત્રાટકતા 125થી 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ વરસ્યો હતો. જે બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ પડતાં મોટાપાયે તબાહી સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા, વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. એટલું જ નહીં સૂસવાટા મારતો પવન અને ભારે વરસાદ પડ્યા બાદ ઠેર ઠેર જનજીવન ઠપ થયું હતું. બીજી તરફ, અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા રાહત અને બચાવકાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ પણ શુક્રવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ત્યારે શુક્રવારની બપોરના બાર વાગ્યા સુધીમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં 3થી 4.76 ઈંચ વરસાદ નોંધાયો હતો.
બિપોરજોય વાવાઝોડું ગુરુવારના રોજ રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. બિપોરજોય ત્રાટક્યા બાદ રાજ્યના 117 જેટલાં તાલુકાઓમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. શુક્રવારની બપોરના બાર વાગ્યા સુધીમાં જામનગરમાં 4.76 ઈંચ, કચ્છમાં 4.08 ઈંચ અને દેવભૂમિ દ્વારકામાં 3.68 ઈંચ વરસાદ નોંધાયો હતો. બિપોરજોય ત્રાટક્યા બાદ આ જિલ્લાઓમાં વધારે નુકસાન થયું છે. ઠેર ઠેર વૃક્ષો, વીજળીના થાંભલા અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. જે બાદ જનજીવન પણ ઠપ બન્યું હતું.
તો અન્ય તાલુકાઓમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો ખંભાળિયામાં 3.4 ઈંચ, લોધિકામાં 2.92 ઈંચ, માળિયામાં 2.4 ઈંચ, ભચાઉમાં 2.36 ઈંચ, રાજકોટમાં 2.36 ઈંચ, વાંકાનેરમાં 2.04 ઈંચ અને જામકંડોરણામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અબડાસા, નખત્રાણા, રાપર, જોડીયા, ભૂજ, ઉપલેટા, મોરબી, ટંકારા, ધોરાજી, કાલાવાડ ધ્રોલ, ગોંડલ, જેતપુર, ખેડબ્રહ્મા, ઈડર, જુનાગઢ, પ્રાંતિજ, માણસા, તાલાલા, બારડોલી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર વગેરે વિસ્તારોમાં બે ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યા બાદ 29 હજારથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે અને 25 જેટલાં ગામો તેની ચપેટમાં આવ્યા છે. તો આ શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યા બાદ 1500થી પણ વધુ વીજપોલ, તોતિંગ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી છે. આ સિવાય અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. તો દરિયાકાંઠના કેટલાંક વિસ્તારોમાં તો મકાનના છાપરાં પણ ઉડી ગયા હતા. વીજપોલ ઉખડી જતા અનેક ગામોમાં અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ હતી. હજુ પણ રાજ્યમાં સૂસવાટો મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા બચાવ અને રાહતકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સામાન્યથી અતિભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, હાલ બિપોરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે.
અરબ સાગરમાં ઉદ્દભવેલા વિનાશક વાવાઝોડાં બિપરજોયનું 15મી જૂને લેન્ડફોલ થયા બાદ કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતાં વ્યાપક તબાહી ફેલાઈ છે. વાવાઝોડાં અને વરસાદને કારણે સેંકડો વીજળીના થાંભલા ધરાશાઈ થતાં મોટાભાગના વિસ્તારોમાં વીજળીનો પૂરવઠો ખોરવાઈ ગયો છે. અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાઈ થયા હોવાથી રસ્તા પણ બંધ થઈ ગયા છે. હાલ એનડીઆરએફ તેમજ ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. સદ્દનસીબે વાવાઝોડાંની સૌથી વધુ અસર જે વિસ્તારોમાં થવાની હતી ત્યાં રહેતા લોકોને પહેલાથી જ સલામત સ્થળે ખસેડી લેવાતા કોઈ જાનહાનિ થયાના અહેવાલ હજુ સુધી સામે નથી આવ્યા. જોકે, વાવાઝોડાંથી ખેતી તેમજ પશુધનને કેટલું નુક્સાન થયું છે તે વિગતો ધીરે-ધીરે બહાર આવશે. હાલ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં લેન્ડફોલની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ પણ ધોધમાર વરસાદ તેમજ તોફાની પવન ફુંકાઈ રહ્યા છે. રાજ્યના છ તટીય જિલ્લામાં વાવાઝોડાંની સૌથી વધુ અસર જોવા મળી છે, જોકે આવતીકાલ સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જાય તેવી શક્યતા છે.
રાજ્યમાં બિપરજોયને કારણે અત્યારસુધી 1137 વૃક્ષો પડ્યાના અહેવાલ છે. હાલની સ્થિતિમાં વૃક્ષોને હટાવીને 260 રસ્તા ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે, ઠેર-ઠેર વીજળીના થાંભલા પડી જતાં 4600 ગામમાં વીજળીનો પુરવઠો ખોરવાયો હતો, જેમાંથી 3580 ગામમાં હાલ સપ્લાય ચાલુ કરી દેવાયો છે. અત્યારસુધી વીજળીના 5,130 થાંભલા પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાંને કારણે 474 કાચા અને 2 પાકા મકાનને નુક્સાન થયું છે, જ્યારે 65 જેટલી ઝૂંપડપટ્ટી વાવાઝોડાને કારણે નેસ્તાનાબૂદ થઈ ગઈ છે.અત્યારસુધી એક લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેના કારણે વાવાઝોડાંને કારણે જાનહાનિ થયાના સમાચાર હજુ સુધી નથી મળ્યા.
વાવાઝોડાંની સૌથી વધારે અસર તેની આંખ જ્યાં ટકરાઈ હતી તેવા કચ્છ જિલ્લામાં જોવા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નલિયાથી માંડવી રોડ પર ઘણા વૃક્ષો પડી ગયા છે, અને કેટલીક જગ્યાએ હાઈવે પર પણ પાણી ભરાયા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોઠારા-ભૂજ હાઈવે પર જ રાત્રે 200 જેટલા વૃક્ષો પડ્યા છે, જેમને હટાવવા માટે હાલ કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં, આખાય કચ્છ જિલ્લામાં લગભગ તમામ ઈન્ટરનલ રોડ ઝાડ પડી જવાના કારણે બંધ થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણી જગ્યાએ મોબાઈલ નેટવર્ક પણ ડાઉન થઈ ગયા છે. આખી રાત ભારે પવન ફુંકાયો હોવાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ મકાનોના છાપરાં ઉડી ગયા છે, તેમજ મિલકતોને પણ ખાસ્સું નુક્સાન થયું છે. જોકે, હાલ પણ ભારે વરસાદ ચાલુ હોવાથી જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેઓ પોતાના ઘરે હજુ સુધી નથી જઈ શક્યા. બીજી તરફ, વાવાઝોડાનુ લેન્ડફોલ શરૂ થયુ ત્યારે દરિયો પણ તોફાની બન્યો હતો, જોકે આજે સવાર સુધીમાં લેન્ડફોલની પ્રક્રિયા પૂરી થઈ જતા હવે દરિયો મહદઅંશે શાંત થઈ ગયો છે, પરંતુ વિવિધ પોર્ટ્સ પર હજુ સામાન્ય રીતે કામકાજ શરૂ થવામાં થોડો સમય લાગશે તેવું જાણવા મળી રહ્યું છે.
વાવાઝોડાંની અસર હેઠળ અમદાવાદમા પણ આજે સવારથી જ તોફાની પવન ફુંકાઈ રહ્યો છે, અને શહેરમાં છૂટાછવાયા ઝાપટાં પણ પડી રહ્યા છે. જોકે, શહેરમાં સ્થિતિ એકંદરે સામાન્ય છે. પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે આખો દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છમાં આજે પણ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે અને તેની સાથે ભારે વરસાદ પણ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમા આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે બનાસકાઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, 16મી જૂને સવારે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ 3 ઈંચ જેટલો વરસાદ રાજકોટના લોધિકા તાલુકામાં નોંધાયો છે, જ્યારે ગાંધીધામમાં 2.71 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય દ્વારકા, જામનગર શહેર, માળિયા, ખંભાળિયા, કચ્છના માંડવી અને ભચાઉમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *