ADC બેંક U-19 સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો દમદાર વિજય

Spread the love

સંત કબીર સ્કૂલને 79 રનથી હરાવી હીરામણિ સ્કૂલે નોંધાવી શાનદાર જીત; ક્રિષ્ના તિવારીની અડધી સદી અને નીલ પુરાનીનું ઓલરાઉન્ડ પ્રદર્શન

અમદાવાદ:

ADC બેંક અંડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટ–2026માં હીરામણિ સ્કૂલે શાનદાર રમતનું પ્રદર્શન કરીને સંત કબીર સ્કૂલ સામે 79 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. તા. 6 નવેમ્બર, 2026ના રોજ પાયોનિયર ક્રિકેટ ગ્રાઉન્ડ-એ ખાતે રમાયેલી આ મેચમાં હીરામણિ સ્કૂલે બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં પ્રભાવશાળી દેખાવ કર્યો હતો.

મેચમાં સંત કબીર સ્કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હીરામણિ સ્કૂલે 48.3 ઓવરમાં તમામ 10 વિકેટ ગુમાવીને 273 રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. ટીમ તરફથી ક્રિષ્ના તિવારીએ શાનદાર બેટિંગ કરતાં માત્ર 58 બોલમાં 60 રન ફટકાર્યા હતા. જ્યારે નીલ પુરાનીએ 44 બોલમાં 50 રનની અડધી સદી નોંધાવી હતી.

આ ઉપરાંત આરવ કોઠારીએ 44 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે નિહાલ પટેલે આક્રમક બેટિંગ કરતાં માત્ર 23 બોલમાં 36 રન ફટકારી ટીમના સ્કોરને મજબૂત બનાવ્યો હતો. હીરામણિ સ્કૂલના બેટ્સમેનોએ ઉપયોગી ભાગીદારીઓ નોંધાવીને ટીમને 273 રન સુધી પહોંચાડી હતી.

274 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સંત કબીર સ્કૂલની ટીમ હીરામણિના બોલરો સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી. સંત કબીર સ્કૂલે 45.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 194 રન જ બનાવી શકી હતી. પરિણામે હીરામણિ સ્કૂલે 79 રનથી મેચ જીતીને ટુર્નામેન્ટમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી.

હીરામણિ સ્કૂલની જીતમાં બોલરોએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આર્યન કંજવાનીએ શાનદાર બોલિંગ કરતાં 5 ઓવરમાં માત્ર 14 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે નીલ પુરાનીએ બેટિંગ બાદ બોલિંગમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરતાં 8.4 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ મેળવી હતી.

આમ, ક્રિષ્ના તિવારીની અડધી સદી, નીલ પુરાનીનું બેટિંગ અને બોલિંગમાં ઓલરાઉન્ડ પ્રદર્શન તથા આર્યન કંજવાનીની અસરકારક બોલિંગના જોરે હીરામણિ સ્કૂલે સંત કબીર સ્કૂલને 79 રનથી હરાવી યાદગાર વિજય મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *