ભુખ્યા અને તરસ્યા સ્ટ્રીટ ડોગને બચાવવા કેટલાક જીવદયા પ્રેમીઓએ પોલીસની મદદથી જખૌ જઇને કુતરાઓને ભોજન પુરું પાડયું
ભૂજ
વિનાશક વાવાઝોડુ બિપર જોય કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહયું છે. હવામાન ખાતાનું માનવું છે કે આ વાવાઝોડુ કચ્છમાં જખૌ અને પાકિસ્તાનના કરાંચી બંદરની વચ્ચે ત્રાટકી શકે છે. જખૌ સહિતના દરિયાકાંઠે મોજામાં કરંટ જોવા મળી રહયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જખૌમાં ૨૦૦૦ જેટલા માનવીઓનું સ્થળાંતર થયું પરંતુ જખૌમાં ૧૫૦ થી વધુ સ્ટ્રીટ ડોગ રહી ગયા છે. માનવીઓને યાદ કરવામાં આવ્યા પરંતુ અબોલા પશુઓને કોણ યાદ કરે ?
જીવદયા પ્રેમી વોટસએપ ગુ્રપમાં ભુખ્યા અને તરસ્યા સ્ટ્રીટ ડોગને બચાવવા જરુરી છે એવો મેસેજ ફરતા જીવના જોખમે કેટલાક જીવદયા પ્રેમીઓએ પોલીસની મદદથી જીવના જોખમે જખૌ જઇને કુતરાઓને ભોજન પુરુ પાડયું હતું. ઘણા દિવસો પછી ભોજન મળતા કેટલાક સ્ટ્રીટ ડોગ ખોરાક પર તૂટી પડયા હતા. હજુ પણ ઘણા ડોગ ભૂખ્યા છે ભૂલે ચૂકે વાહનચાલક પસાર થાય ત્યારે આસપાસ ઘેરી વળે છે. જખૌમાં જ રહી ગયેલા ભૂખ્યા તરસ્યા ડોગનું વાવાઝોડું આવશે ત્યારે શું થશે તે જીવદયા પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.