અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ
એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી

અમદાવાદ
શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુજી અર્જુન દેસાઈ, શ્રી સધીમાં મંદિર, રંગપુર ધામ, તા.માણસા, અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તથા અતિથિ વિશેષ તરીકે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તથા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ, પાંજરાપોળ સંસ્થાના સહાયક પૂર્વ સાંસદ સોમા પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જનક પટેલ, મિતલ ખેતાણી તેમજ વિરમગામ ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સાથી ટીમ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એનિમલ એમ્બ્યુલન્સને અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને એલીસબ્રીજ વિસ્તારનાં ધારાસભ્ય અમિત શાહ દ્વારા આવકારવામાં આવી હતી. જેનો હેલ્પલાઇન નંબર 91529 90399 છે.
સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે આ પ્રસંગે જણાવ્યુ હતું કે વિરમગામ પાંજરાપોળ ખાતે શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા 1200 એકર જગ્યામાં પથરાયેલી પાંજરાપોળમાં દાતાઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજરોજ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત રાજયશસૂરી મહારાજ સાહેબની પ્રેરણાથી તેમજ પૂજ્ય સાધ્વીજી વાચંયમા મહારાજ સાહેબના (પૂ . બેન મ. સા) ૭૬માં સંયમ વર્ષનાં મંગલ પ્રવેશ નિમિત્તે દિનેશ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ અને એલ.જે. આરોગ્ય કેન્દ્રના સહયોગથી સમસ્ત મહાજન દ્વારા અમદાવાદમાં પ્રથમ અને સમગ્ર દેશની 15મી પશુ પક્ષીને ઉપયોગી થાય તેવી એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ એમ્બ્યુલન્સ સેવામાં સ્થળ ઉપર જ ડોક્ટર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી શકાય તેવી તમામ સુવિધાઓથી સજ્જ છે. જેમ કે ઓપરેશન થિયેટર, એનેસ્થેસિયા, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ઇન્જેક્શન રાખવા માટે ફ્રીઝ અને દવાઓ, ગીઝર અને ફાયર સેફ્ટી સાધનો ઉપલબ્ધ છે. આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ શહેરીજનો હેલ્પલાઇન નંબર 91529 90399 દ્વારા શહેરના કોઈપણ ભાગમાં લઈ શકશે.
