ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા: ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા નોન-ડેરી ઉત્પાદનો સામે સરકારની કડક કાર્યવાહી
અમદાવાદ:
ગુજરાત સરકારે રાજ્યભરમાં પનીર, ક્રીમ, બટર સહિતના અસલી ડેરી ઉત્પાદનો જેવી દેખાતી પરંતુ વાસ્તવમાં વેજિટેબલ ફેટ અથવા અન્ય બિન-ડેરી ઘટકોથી બનેલી નોન-સ્ટાન્ડર્ડાઇઝ્ડ ડેરી એનાલોગ વસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા આ પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
અનેક જિલ્લાઓમાં પનીરના નમૂનાઓમાં મળી ગેરરીતિ
સરકારી આદેશ અનુસાર, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ફૂડ સેફ્ટી અધિકારીઓએ પનીરના નમૂનાઓ એકત્ર કર્યા હતા. તપાસ દરમિયાન અનેક નમૂનાઓમાં વેજિટેબલ ફેટ, વધુ ભેજ, સ્ટાર્ચ અને અન્ય બિનઅધિકૃત પદાર્થો મળી આવ્યા હતા, જેના આધારે તે અસુરક્ષિત અથવા ધોરણથી નીચા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
કયા ઉત્પાદનો પર લાગુ પડશે પ્રતિબંધ?
આ પ્રતિબંધ એવા તમામ નોન-સ્ટાન્ડર્ડાઇઝ્ડ ઉત્પાદનો પર લાગુ પડશે, જે અસલી ડેરી વસ્તુઓ જેવી દેખાય છે અથવા ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. ખાસ કરીને વેજિટેબલ ફેટ, વેજિટેબલ ઓઇલ અથવા અન્ય બિન-ડેરી ઘટકોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા અને પનીર, ક્રીમ, બટર જેવી ઓળખ આપતા ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જોકે ફ્રોઝન ડેઝર્ટ, પ્રોસેસ્ડ ચીઝ અને મિક્સ્ડ ફેટ સ્પ્રેડ જેવા માન્ય સ્ટાન્ડર્ડાઇઝ્ડ ઉત્પાદનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટરો માટે ફરજિયાત સૂચનાઓ
સરકારે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો (FBOs)ને તાત્કાલિક અસરથી આવા ઉત્પાદનોનું વેચાણ બંધ કરવા, ખરીદી-ઉત્પાદન અને વિતરણના રેકોર્ડ જાળવવા તેમજ ફૂડ સેફ્ટી નિયમો અને લેબલિંગ નિયમોનું સંપૂર્ણ પાલન કરવાની સૂચના આપી છે. હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, ક્લાઉડ કિચન અને અન્ય ફૂડ સર્વિસ સંસ્થાઓએ માત્ર અસલી અને પ્રમાણિત ડેરી ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાનો રહેશે.
નિયમોના ભંગ બદલ થશે કડક કાર્યવાહી
પ્રતિબંધાત્મક આદેશનું ઉલ્લંઘન કરનાર ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ગુનાની ગંભીરતા મુજબ વિવિધ કલમો હેઠળ દંડ અને અન્ય કાનૂની પગલાં લેવામાં આવશે.
એક વર્ષ સુધી અમલમાં રહેશે પ્રતિબંધ
આ પ્રતિબંધ સરકારી ગેઝેટમાં પ્રકાશન થયાની તારીખથી અમલમાં આવશે અને એક વર્ષ સુધી અથવા ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI) દ્વારા સંબંધિત અંતિમ નિયમો જાહેર થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ત્યારબાદ સરકાર જરૂરી હોય તો તેમાં સુધારો અથવા રદબાતલ કરી શકશે.
