ચીખલીમાં રૂ.46.53 કરોડની 100 બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ

Spread the love

સી.આર. પાટીલના હસ્તે નવનિર્મિત હોસ્પિટલ પ્રજાજનો માટે ખુલ્લી મૂકાઈ; 3થી 5 લાખની વસ્તીને આધુનિક આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળશે

નવસારી

નવસારી જિલ્લાના ચીખલી ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ.46.53 કરોડના ખર્ચે નિર્મિત 100 બેડની અદ્યતન સુવિધાસભર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા ઉપસ્થિત રહ્યા હતા.

ચીખલી અને આસપાસના લોકોને ગુણવત્તાસભર સારવારનો લાભ

લોકાર્પણ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે અદ્યતન સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલના કારણે ચીખલી અને આસપાસના વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનો વધુ સારો લાભ મળશે. દર્દીઓને સંતોષકારક સારવાર મળી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તે આરોગ્ય સેવાઓનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે હોસ્પિટલની સુવિધાઓ અને આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા બદલ આરોગ્ય વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

સ્થાનિક સ્તરે સમયસર સારવાર ઉપલબ્ધ થશે

આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે ચીખલીની વર્ષો જૂની રેફરલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી અનેક લોકોને આરોગ્ય સેવાઓ આપવામાં આવી છે. હવે નવનિર્મિત આધુનિક સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કારણે વિસ્તારના નાગરિકોને વધુ સારી અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. ખાસ કરીને બાળકો અને માતાઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે દિશામાં હોસ્પિટલ મહત્વપૂર્ણ સાબિત થશે.

તેમણે ચિરંજીવી યોજના સહિતની વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી.

રૂ.46.53 કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલનું નિર્માણ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રૂ.46.53 કરોડના ખર્ચે નિર્મિત આ અતિ આધુનિક 100 બેડની હોસ્પિટલથી ચીખલી અને આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુ સુવિધાસભર આરોગ્ય સેવાઓ મળી રહેશે. તેમણે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ તથા આરોગ્ય ટીમની કામગીરીને બિરદાવી હતી.

કોરોના મહામારીના કપરા સમયમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રાત-દિવસ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરી તેમણે આરોગ્ય કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

3થી 5 લાખની વસ્તીને સીધો લાભ

નવનિર્મિત સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી ચીખલી તાલુકા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સારવાર માટે દૂરના સ્થળોએ જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. ચીખલી તાલુકા તથા આસપાસના ગામડાઓની અંદાજે 3થી 5 લાખની વસ્તીને હોસ્પિટલની આધુનિક આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળશે.

વિવિધ નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ

100 બેડની હોસ્પિટલમાં ભૂકંપ પ્રતિરોધક બહુમાળી આધુનિક ઇમારત સાથે વિવિધ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોસ્પિટલમાં મેડિસિન, ગાયનેકોલોજી, ઓર્થોપેડિક, જનરલ સર્જરી, પીડિયાટ્રિક્સ, એનેસ્થેશિયા, ઓપ્થેલ્મોલોજી, સાયકિયાટ્રી, પેથોલોજી અને રેડિયોલોજી સહિતના વિભાગોની નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ રહેશે.

હોસ્પિટલમાં સેન્ટ્રલ મેડિકલ ઓક્સિજન સપ્લાય લાઇન, સેન્ટ્રલાઈઝ્ડ એર-કન્ડિશન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ અને આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આરોગ્ય કર્મીઓનું સન્માન

લોકાર્પણ પ્રસંગે મંત્રીઓ તથા મહાનુભાવોના હસ્તે હોસ્પિટલની નર્સિંગ બહેનો, પી.આઈ.ઓ., સફાઈ કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું. આરોગ્ય સેવાઓમાં યોગદાન આપનાર કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરા શાહ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડૉ. માલતી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, હોસ્પિટલ સ્ટાફ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *