ભારતીય સંરક્ષણ દળોના આધુનિકીકરણ માટે 2029 સુધીમાં રૂ. 3 લાખ કરોડના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક

Spread the love

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જેસલમેરમાં યોજેલી બેઠકમાં આધુનિક યુદ્ધ ટેકનોલોજી, સ્વદેશી શસ્ત્ર ઉત્પાદન અને ત્રણેય સેનાના સંકલન પર ભાર મૂક્યો; સંરક્ષણ નિકાસ રૂ. 50 હજાર કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય

જેસલમેર, રાજસ્થાન:

દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક, સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં મોટા લક્ષ્યાંકો નક્કી કર્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 3 નવેમ્બર, 2026ના રોજ રાજસ્થાનના જેસલમેર ખાતે સંરક્ષણ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ‘ભારતીય સંરક્ષણ દળોનું આધુનિકીકરણ’ વિષય પર યોજાયેલી આ બેઠકમાં ભવિષ્યના યુદ્ધના પડકારો, નવીન ટેકનોલોજી, સ્વદેશી શસ્ત્ર ઉત્પાદન અને સેનાની કાર્યક્ષમતા વધારવા સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકને સંબોધતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે, વર્તમાન અને ભવિષ્યના સુરક્ષા પડકારોનો સામનો કરી શકે તેવી ટેકનોલોજીથી સજ્જ સેનાનું નિર્માણ કરવું સરકારની પ્રાથમિકતા છે. ભારતનું લક્ષ્ય વર્ષ 2029 સુધીમાં રૂ. 3 લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન અને રૂ. 50 હજાર કરોડની સંરક્ષણ નિકાસ હાંસલ કરવાનું છે.

સંરક્ષણ બજેટમાં ઐતિહાસિક વધારો

રાજનાથસિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સંરક્ષણ દળોના આધુનિકીકરણ માટે બજેટ, ટેકનોલોજી અને માનવ સંસાધન એમ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં પગલાં લીધાં છે. નાણાકીય વર્ષ 2026-27 માટે દેશનું સંરક્ષણ બજેટ વધારીને રેકોર્ડ રૂ. 7.85 લાખ કરોડ કરવામાં આવ્યું છે. જેમાં આધુનિકીકરણ અને નવા સંરક્ષણ સાધનોની ખરીદી માટે રૂ. 2.19 લાખ કરોડની મૂડી ફાળવણી કરવામાં આવી છે.

સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ

સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા અંગે તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014-15માં દેશનું સંરક્ષણ ઉત્પાદન રૂ. 46,429 કરોડ હતું, જે વધીને વર્ષ 2025-26માં રેકોર્ડ રૂ. 1.78 લાખ કરોડ થયું છે. તેવી જ રીતે, વર્ષ 2014માં રૂ. 2 હજાર કરોડથી પણ ઓછી રહેલી સંરક્ષણ નિકાસ હવે આશરે રૂ. 40 હજાર કરોડ સુધી પહોંચી છે.

સરકાર હવે સ્વદેશી સંશોધન, ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનને વધુ પ્રોત્સાહન આપી રહી છે. આ પ્રક્રિયામાં સ્ટાર્ટઅપ્સ, નાના-મધ્યમ ઉદ્યોગો, ખાનગી કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી વધારવામાં આવી રહી છે.

AI અને ડ્રોન ટેકનોલોજી બનશે સેનાની તાકાત

આધુનિક યુદ્ધમાં ટેકનોલોજીની ભૂમિકા પર ભાર મૂકતાં સંરક્ષણ મંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઓટોનોમસ સિસ્ટમ્સ, માનવરહિત વિમાનો, સાયબર સુરક્ષા, અવકાશ ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક વોરફેર અને અદ્યતન સંચાર વ્યવસ્થાને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. DRDO દ્વારા વિકસાવવામાં આવતાં આધુનિક શસ્ત્રો, મિસાઇલો અને સંરક્ષણ પ્રણાલીઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

સેનાની નવી રચનાઓથી ઓપરેશનલ ક્ષમતા વધશે

રાજનાથસિંહે જણાવ્યું હતું કે, આધુનિક સેનાની શક્તિ માત્ર શસ્ત્રો અને નાણાકીય સંસાધનો પર આધારિત નથી, પરંતુ સૈનિકોની તાલીમ, ક્ષમતા અને તૈયારી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. ભારતીય સેનાની ‘અસની’, ‘ભૈરવ’ અને ‘શક્તિબાણ’ જેવી નવી પ્લાટૂન રચનાઓ બદલાતા યુદ્ધના માહોલમાં અસરકારક સાબિત થઈ રહી છે.

બેઠકમાં ત્રણેય સેનાઓ વચ્ચે સંકલન, સંયુક્ત ઓપરેશનલ આયોજન, સંરક્ષણ સંશોધન અને ઉદ્યોગો સાથે સહયોગ વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. સાંસદોએ વિવિધ સૂચનો રજૂ કર્યા હતા. આ બેઠકમાં સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ, સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સહિત વરિષ્ઠ નાગરિક અને લશ્કરી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *