રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર પર ટીમ મેનેજમેન્ટની નજર, ભવિષ્યની યોજનાઓમાં મળી શકે મહત્વની ભૂમિકા

એસવીએન,નવી દિલ્હી
અફઘાનિસ્તાન સામે 6 જૂનથી મુલ્લાંપુરમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ પહેલા જમ્મુ-કાશ્મીરના પ્રતિભાશાળી ફાસ્ટ બોલર આકિબ નબી ભારતીય ટીમના કેમ્પમાં જોડાયો છે. જોકે તેને હજુ સુધી સત્તાવાર ટેસ્ટ સ્ક્વોડમાં સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે બેકઅપ ખેલાડી તરીકે શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ સાથે તાલીમ લઈ રહ્યો છે.
આકિબની અવગણના બાદ BCCIને કરવો પડ્યો ટ્રોલિંગનો સામનો
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી માટે જ્યારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આકિબ નબીને તક ન આપવાના નિર્ણયને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પસંદગી સમિતિને સોશિયલ મીડિયા પર ભારે ટીકા અને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જસપ્રિત બુમરાહને આરામ અપાયા બાદ પસંદગીકારોએ આકિબના સ્થાને ગુરનૂર બરારને તક આપી હતી. આ નિર્ણય બાદ અનેક ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકોએ આકિબની અવગણના અંગે સવાલો ઉઠાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાના કેમ્પમાં સ્થાન મળતાં અટકળો તેજ
હવે ભારતીય ટીમના કેમ્પમાં તેની હાજરીને ભવિષ્યની યોજનાઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં તેના રમવાની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ તેની પ્રગતિ પર નજીકથી નજર રાખી રહ્યું હોવાનું માનવામાં આવે છે.
શ્રીલંકા પ્રવાસ માટે તેની દાવેદારી હાલમાં મજબૂત માનવામાં આવતી નથી, પરંતુ ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ફાસ્ટ બોલરોને અનુકૂળ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા તે પસંદગીકારોની રડાર પર હોઈ શકે છે.
રણજી ટ્રોફીમાં સૌથી સફળ બોલર
આકિબ નબીએ ગત રણજી ટ્રોફી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જમ્મુ-કાશ્મીરને ઐતિહાસિક રણજી ટ્રોફી ખિતાબ અપાવવામાં તેણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તે ટીમ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો.
નબીએ 10 પ્રથમ શ્રેણીની મેચોમાં 60 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેની સરેરાશ માત્ર 12.56 રહી હતી અને તેણે સાત વખત એક ઇનિંગ્સમાં પાંચ અથવા તેથી વધુ વિકેટ લેવાનો કારનામો કર્યો હતો.
IPLમાં મોટો કોન્ટ્રાક્ટ, પરંતુ પ્રદર્શન નિરાશાજનક
રણજી ટ્રોફીમાં કરેલા ધમાકેદાર પ્રદર્શનના આધારે IPL 2026ના મિની ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે આકિબ નબીને 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ફ્રેન્ચાઇઝીના સૌથી મોંઘા ભારતીય ખેલાડીઓમાં સામેલ રહ્યો હતો.
જોકે, IPLની તેની પ્રથમ સીઝન અપેક્ષા મુજબ રહી નહોતી. તેને પાંચ મેચ રમવાની તક મળી હતી, પરંતુ તે એકપણ વિકેટ લેવામાં સફળ રહ્યો નહોતો.
અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની તૈયારીઓ પૂર્ણતાની નજીક
ભારતીય ટેસ્ટ ટીમ હાલમાં શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે તૈયારીઓ કરી રહી છે. ટીમમાં યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત, દેવદત્ત પડિક્કલ, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બરાર, હર્ષ દુબે અને ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ભવિષ્ય માટે મહત્વનો વિકલ્પ બની શકે છે આકિબ નબી
ભલે આકિબ નબીને હજુ સુધી ભારતીય ટેસ્ટ ટીમ માટે સત્તાવાર ડેબ્યૂ કરવાની તક મળી નથી, પરંતુ ટીમ ઈન્ડિયાના કેમ્પમાં તેની હાજરી એ સ્પષ્ટ સંકેત આપે છે કે પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ તેને ભવિષ્યના મહત્વના ફાસ્ટ બોલિંગ વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. હવે સૌની નજર એ વાત પર રહેશે કે શું જમ્મુ-કાશ્મીરનો આ યુવા ઝડપી બોલર ટૂંક સમયમાં ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન પાકું કરી શકશે કે નહીં.
