સાયબર સુરક્ષા ટીમની સતર્કતાથી હુમલાઓ નિષ્ફળ, હજારો વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અરજી કરી
એસવીએન,નવી દિલ્હી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના રી-વેલ્યુએશન પોર્ટલ પર મોટા પાયે સાયબર હુમલાનો પ્રયાસ થયો હોવાની માહિતી સામે આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ દ્વારા પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી રહી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ પોર્ટલની કામગીરીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાયબર સુરક્ષા ટીમની તાત્કાલિક કામગીરીને કારણે તમામ હુમલાઓ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા અને હજારો વિદ્યાર્થીઓએ કોઈ મુશ્કેલી વિના પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
2 મિનિટમાં 15 લાખ હિટ્સ, ડેટા સુધી પહોંચવાનો પ્રયાસ
CBSEના જણાવ્યા અનુસાર, રી-વેલ્યુએશન પોર્ટલ એકસાથે 8,000થી વધુ યુઝર્સને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. મંગળવારે બપોરે 3 વાગ્યા સુધીમાં 16,000થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અરજી નોંધાવી હતી. આ દરમિયાન પોર્ટલ પર થયેલા એક મોટા સાયબર હુમલામાં માત્ર બે મિનિટમાં અંદાજે 15 લાખ હિટ્સ નોંધાઈ હતી. ઉપરાંત, એક લાખથી વધુ વખત પોર્ટલની ફાઈલો અને ડેટા સુધી અનધિકૃત રીતે પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ચોવીસે કલાક મોનિટરિંગ, સેવાઓ યથાવત
આટલા મોટા પ્રમાણમાં હુમલાના પ્રયાસો છતાં CBSEની સાયબર સુરક્ષા ટીમ સતત સક્રિય રહી હતી. ટીમે તમામ હુમલાઓને નિષ્ફળ બનાવતાં પોર્ટલની કામગીરીને સામાન્ય અને સુરક્ષિત રાખવામાં સફળતા મેળવી હતી. બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે ટેકનિકલ ટીમ 24 કલાક સતત મોનિટરિંગ કરી રહી છે.
વિદ્યાર્થીઓના ફીડબેક બાદ પોર્ટલમાં સુધારા
વિદ્યાર્થીઓ પાસેથી મળેલા સૂચનો અને ફીડબેકના આધારે CBSEએ પોર્ટલમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો પણ અમલમાં મૂક્યા છે. તેમાં ‘સેશન ટાઈમ લિમિટ’ વધારવાનો સમાવેશ થાય છે, જેથી વિદ્યાર્થીઓને અરજી ફોર્મ ભરવા તેમજ જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરવા માટે વધુ સમય મળી રહે. બોર્ડના જણાવ્યા અનુસાર, આ સુધારાઓને કારણે સમગ્ર પ્રક્રિયા વધુ સરળ અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ બની છે.
CBSEએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓને સુરક્ષિત અને વિશ્વસનીય ડિજિટલ સેવાઓ પ્રદાન કરવી તેની પ્રથમ પ્રાથમિકતા છે. બોર્ડે ખાતરી આપી છે કે વિદ્યાર્થીઓનો તમામ ડેટા અને વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત છે.
