મડાગાસ્કર સરકાર સાથે 10 વર્ષના સમજૂતી કરાર પર હસ્તાક્ષર; વન્યજીવોના બચાવ, સારવાર અને પુનર્વસન માટે રાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવામાં સહયોગ આપશે, સ્થાનિક નિષ્ણાતોને પણ અપાશે તાલીમ
જામનગર/એન્ટાનાનારિવો
વિશ્વના સૌથી વધુ જોખમનો સામનો કરી રહેલા વન્યજીવોના સંરક્ષણ માટે જામનગર સ્થિત વનતારાએ આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. વનતારા (ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી) અને રિપબ્લિક ઓફ મડાગાસ્કરના પર્યાવરણ અને ટકાઉ વિકાસ મંત્રાલય (MEDD) વચ્ચે વન્યજીવ સંરક્ષણ તથા પ્રાણી કલ્યાણ માટે 10 વર્ષના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી અંતર્ગત વનતારા મડાગાસ્કરના વન્યજીવોના બચાવ, સારવાર, પુનર્વસન અને શક્ય હોય ત્યાં તેમને તેમના કુદરતી રહેઠાણમાં પરત મોકલવા માટે સહયોગ આપશે.
આ સમજૂતી વનતારાની આંતરરાષ્ટ્રીય સંરક્ષણ ક્ષેત્રે વધતી ભૂમિકાનું મહત્ત્વપૂર્ણ ઉદાહરણ છે. ખાસ કરીને વિદેશમાં ગેરકાયદેસર વન્યજીવ વેપાર દરમિયાન જપ્ત કરવામાં આવેલા મડાગાસ્કરના પ્રાણીઓને સુરક્ષિત રીતે તેમના મૂળ દેશમાં પરત લાવવા માટે વનતારા મદદ કરશે. આ ઉપરાંત મડાગાસ્કરમાં જ એક રાષ્ટ્રીય વન્યજીવ બચાવ અને પુનર્વસન કેન્દ્ર સ્થાપવામાં પણ સહયોગ આપવામાં આવશે.
મડાગાસ્કરના વન્યજીવોના સંરક્ષણ માટે સરહદપાર સહયોગ
મડાગાસ્કરના પર્યાવરણ અને ટકાઉ વિકાસ મંત્રી ઈ. નોલાવે લક આરિસ્ટીડે આ ભાગીદારીને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે મડાગાસ્કર વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ જૈવવિવિધતા ધરાવતા વિસ્તારોમાંનું એક છે. અહીંના વન્યજીવો દેશની ઓળખ અને કુદરતી વારસાનો અભિન્ન હિસ્સો છે. આ પ્રાણીઓનું રક્ષણ માત્ર દેશની અંદરના પ્રયાસોથી શક્ય નથી, પરંતુ તેના માટે આંતરરાષ્ટ્રીય સહયોગ પણ જરૂરી છે.
મંત્રીએ મડાગાસ્કરના કુદરતી વારસાના સંરક્ષણ માટે સહયોગ આપવા બદલ વનતારા સહિતની સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
MEDDના ડાયરેક્ટર જનરલ ઓફ એન્વાયર્નમેન્ટલ ગવર્નન્સ રાકોટોન્દ્રાવોનિનાલા વાલિકસન કિયાડીએ જણાવ્યું હતું કે વનતારા પ્રાણી બચાવ, પશુચિકિત્સા સંભાળ અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરની નિપુણતા ધરાવે છે. આ ભાગીદારીના માધ્યમથી તાત્કાલિક જરૂરિયાતો પૂર્ણ કરવાની સાથે લાંબા ગાળાના સંરક્ષણ કાર્યક્રમો પણ વિકસાવવામાં આવશે.
મડાગાસ્કરના સંરક્ષણના નિર્ણયોનો અધિકાર સરકાર પાસે જ રહેશે
વનતારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિવાન કારાણીએ જણાવ્યું હતું કે મડાગાસ્કર વિશ્વની કેટલીક અત્યંત વિશિષ્ટ અને દુર્લભ વન્યજીવ પ્રજાતિઓનું ઘર છે. આ પ્રજાતિઓને તેમના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રાખવું વનતારાની દસ વર્ષીય સંરક્ષણ વ્યૂહરચનાનો મુખ્ય હિસ્સો છે.
તેમણે ઉમેર્યું હતું કે આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય મડાગાસ્કરમાં જ વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને નિષ્ણાતોને વધુ સક્ષમ બનાવવાનો છે. દરેક નિર્ણયમાં મડાગાસ્કરની સરકારની સત્તા અને અધિકાર જળવાઈ રહેશે તથા દેશની લાંબા ગાળાની સંરક્ષણ પ્રાથમિકતાઓને અનુરૂપ કામગીરી કરવામાં આવશે.
90 ટકા લેમર પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમમાં
મડાગાસ્કર આજે વન્યજીવ સંરક્ષણની દૃષ્ટિએ અત્યંત ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. IUCNની રેડ લિસ્ટ મુજબ, વિશ્વમાં માત્ર મડાગાસ્કરમાં જોવા મળતી લગભગ 90 ટકા લેમર પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમ હેઠળ છે. તેમાંથી આશરે એક તૃતીયાંશ પ્રજાતિઓ અત્યંત ગંભીર જોખમની સ્થિતિમાં છે.
ટર્ટલ સર્વાઈવલ એલાયન્સના અંદાજ પ્રમાણે 1990ના દાયકાના અંતથી 2013 સુધીમાં રેડિએટેડ કાચબાની જંગલી વસ્તીમાં 47 ટકાથી વધુ ઘટાડો થયો હતો. વર્ષ 2001થી 2023 દરમિયાન મડાગાસ્કરમાં આશરે 29 ટકા વૃક્ષ આવરણ પણ ઘટ્યું છે.
વન્યજીવોના રહેઠાણનો નાશ અને ગેરકાયદેસર વેપાર આ સંકટનાં મુખ્ય કારણો છે. વર્ષ 2026ના જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન જ મડાગાસ્કરમાં વન્યજીવ બચાવ કામગીરી દરમિયાન છ અલગ-અલગ જપ્તીના કેસોમાંથી 1,000થી વધુ કાચબા મળી આવ્યા હતા.
આ સમસ્યાની ગંભીરતા 2024માં થાઈલેન્ડમાં બનેલી ઘટનાથી પણ સમજાય છે. થાઈ અધિકારીઓએ 48 લેમર અને 1,000થી વધુ કાચબા જપ્ત કર્યા હતા. જોકે, પરિવહન દરમિયાન જ 131 કાચબાનાં મૃત્યુ થયાં હતાં. ત્યારબાદ પણ કેટલાક પ્રાણીઓ જીવિત રહી શક્યા નહોતા. બચી ગયેલા પ્રાણીઓની સંભાળ અને વતન પરત મોકલવાની પ્રક્રિયામાં આંતરરાષ્ટ્રીય પરવાનગીઓ તથા ભંડોળના અભાવે મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
પ્રાણીઓને સુરક્ષિત રીતે વતન પહોંચાડવામાં વનતારાની મદદ
આવી પરિસ્થિતિમાં વનતારા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગેરકાયદેસર વેપારમાંથી બચાવાયેલા પ્રાણીઓ ઘણી વખત નબળી શારીરિક સ્થિતિમાં હોય છે. તેમના માટે યોગ્ય તબીબી સારવાર અને સુરક્ષિત પરિવહન અત્યંત જરૂરી હોય છે.
મડાગાસ્કર સરકારની વિનંતી અનુસાર વનતારાની ટીમ પ્રાણીઓને તેમના મૂળ દેશમાં પરત લાવવાની સમગ્ર પ્રક્રિયામાં સહયોગ આપી શકશે. તેમાં આરોગ્ય તપાસ, રોગોની ચકાસણી, પરિવહન વ્યવસ્થા, ક્વોરેન્ટાઈન અને મડાગાસ્કર પહોંચ્યા બાદ જરૂરી સારવાર તથા સંભાળનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કયા પ્રાણીઓને ફરી જંગલમાં છોડવા યોગ્ય છે અને તેમના માટે કયું કુદરતી રહેઠાણ અનુકૂળ રહેશે તે નક્કી કરવા માટે વૈજ્ઞાનિક સહયોગ પણ આપવામાં આવશે. આ કામગીરીમાં ફિલ્ડ રિસર્ચ અને જિનેટિક પ્રોફાઇલિંગ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે. આ તમામ નિર્ણયો મડાગાસ્કરની CITES સાયન્ટિફિક ઓથોરિટીની સલાહ અને માર્ગદર્શન હેઠળ લેવામાં આવશે.
મડાગાસ્કરમાં જ રાષ્ટ્રીય વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર બનશે
આ કરારનું એક મહત્ત્વપૂર્ણ પાસું મડાગાસ્કરમાં નેશનલ વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપના છે. મડાગાસ્કર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી જમીન પર આ કેન્દ્રના નિર્માણ અને સ્થાપનામાં વનતારા સહયોગ આપશે.
આ કેન્દ્ર મડાગાસ્કર સરકારની માલિકીનું રહેશે અને પર્યાવરણ તથા ટકાઉ વિકાસ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ કાર્ય કરશે. અહીં વન્યજીવોના બચાવ, સારવાર, પુનર્વસન, સંશોધન અને તાલીમ માટે જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવશે.
સ્થાનિક વન્યજીવ નિષ્ણાતો અને કર્મચારીઓને તાલીમ આપવા માટે ઇન્ટર્નશિપ, નિષ્ણાતોનું આદાનપ્રદાન, વ્યવહારુ સંશોધન અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવશે. પરિણામે મડાગાસ્કરની સ્થાનિક ટીમો જપ્ત કરાયેલા અને બચાવાયેલા પ્રાણીઓની સંભાળ રાખવા, તેમનું પુનર્વસન કરવા તથા યોગ્ય પરિસ્થિતિમાં તેમને ફરી કુદરતી વાતાવરણમાં છોડવા માટે સક્ષમ બનશે.
સ્થાનિક ક્ષમતાના વિકાસ સાથે લાંબા ગાળાનું સંરક્ષણ લક્ષ્ય
વનતારા અને મડાગાસ્કર સરકાર વચ્ચેની આ 10 વર્ષીય ભાગીદારી માત્ર પ્રાણીઓને એક દેશમાંથી બીજા દેશમાં પરત લાવવાની કામગીરી પૂરતી મર્યાદિત નથી. તેનો વ્યાપ વધુ મોટો છે. પ્રાણીઓને તેમના મૂળ કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રાખવા ઉપરાંત જે દેશમાં વન્યજીવો વસે છે ત્યાં જ બચાવ, સારવાર અને પુનર્વસનની સુવિધાઓ મજબૂત બનાવવાનો આ પ્રયાસ છે.
મડાગાસ્કરમાં જ નિષ્ણાતોની ટીમ, આધુનિક સુવિધાઓ અને પ્રશિક્ષિત સંભાળકર્તાઓ તૈયાર કરવાથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયમી વ્યવસ્થા ઊભી થશે. આ ભાગીદારીથી દુર્લભ પ્રજાતિઓના અસ્તિત્વને બચાવવા અને મડાગાસ્કરના કુદરતી વારસાનું જતન કરવા માટે લાંબા ગાળે નોંધપાત્ર મદદ મળવાની અપેક્ષા છે.
