23 દેશોની ભાગીદારી સાથે ત્રણ દિવસીય બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત યોજાઈ; ચક્રવાત જેવી ગંભીર આપદા સામે સંયુક્ત પ્રતિસાદ, બચાવ અને રાહત કામગીરીનું થશે પ્રાયોગિક નિદર્શન
અમદાવાદ
ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત ‘AJHE-26’ એટલે કે ‘સહાયતા સેતુ’નો મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આફતો અને માનવતાવાદી કટોકટીના સમયે વિવિધ દેશો તથા સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ વચ્ચે સંકલન, સહકાર અને સંયુક્ત પ્રતિભાવ ક્ષમતા વધારવાનો છે.
મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફ (HQ IDS) અને મુખ્યાલય દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (HQ SWAC)ના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી આ કવાયતમાં રાષ્ટ્રીય એજન્સીઓ ઉપરાંત મિત્ર વિદેશી દેશો (FFC)ના પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહ્યા છે.
23 દેશોના પ્રતિનિધિઓની સહભાગિતા
કવાયતના પ્રથમ દિવસની શરૂઆત હિન્દ મહાસાગર રિમ એસોસિએશન (IORA), બંગાળની ખાડી ક્ષેત્રમાં બહુક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહયોગ પહેલ (BIMSTEC) તથા ચતુષ્પક્ષીય સુરક્ષા સંવાદ (QUAD) સાથે સંકળાયેલા દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિચારમંથન સેમિનારથી થઈ હતી.
આ કવાયતમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કોમોરોસ, ઇન્ડોનેશિયા, કેન્યા, મેડાગાસ્કર, મલેશિયા, માલદીવ, મોરેશિયસ, મોઝામ્બિક, ઓમાન, સેશેલ્સ, સિંગાપોર, સોમાલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, તાંઝાનિયા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યમન, જાપાન, અમેરિકા, મ્યાનમાર અને નેપાળ સહિતના દેશોની ભાગીદારી છે. આ આંતરરાષ્ટ્રીય સહભાગિતાથી પ્રાદેશિક સહયોગ અને સામૂહિક આપદા વ્યવસ્થાપન તૈયારીઓને નવી દિશા મળશે.
એર માર્શલ પી.વી. શિવાનંદનું મુખ્ય સંબોધન
દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ પી.વી. શિવાનંદે મુખ્ય સંબોધન આપતાં કુદરતી આફતો અને માનવતાવાદી કટોકટી દરમિયાન ઝડપી, અસરકારક અને સંકલિત પ્રતિસાદની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સંયુક્ત આયોજન, ક્ષમતા વિકાસ અને વિવિધ હિતધારકો વચ્ચે સરળ સંકલનને આપદા વ્યવસ્થાપન માટે અનિવાર્ય ગણાવ્યું હતું.
ભારતની વૈશ્વિક માનવતાવાદી ભૂમિકા પર ચર્ચા
પ્રથમ દિવસના સત્રોમાં વિદેશ મંત્રાલય (MEA), ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ (NDRF), આપદા વ્યવસ્થાપન એજન્સીઓ અને સંરક્ષણ સંશોધન તથા વિકાસ સંગઠન (DRDO)ના નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
ચર્ચાનો મુખ્ય વિષય ‘ભારતનું વધતું વૈશ્વિક માનવતાવાદી સહાય અને આપદા રાહત ક્ષેત્રે યોગદાન’ રહ્યો હતો. આ દરમિયાન ઓપરેશન એમિસ્ટેડ, ઓપરેશન બ્રહ્મા અને ઓપરેશન સાગર બંધુ જેવા અભિયાનોના કિસ્સાઓ રજૂ કરીને આંતરરાષ્ટ્રીય રાહત કામગીરીમાં ભારતની ભૂમિકા અને અનુભવોની ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત આપદા વ્યવસ્થાપનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, પરિસ્થિતિની સચોટ જાણકારી, સંકલિત ઓપરેશનલ આયોજન અને વિવિધ એજન્સીઓ વચ્ચે આંતરકાર્યક્ષમતા વધારવા પર પણ ભાર મૂકાયો હતો. બપોરના સત્રમાં માનવતાવાદી સહાયના પ્રયાસોમાં સુમેળ સ્થાપવા QUADની કાર્યકારી સ્તરની બેઠક યોજાઈ હતી.
ચક્રવાતની સ્થિતિનું સિમ્યુલેશન કરી બચાવ કામગીરીનું નિદર્શન
કવાયતના આગામી તબક્કામાં ગંભીર ચક્રવાતી વાવાઝોડાની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરીને વિવિધ એજન્સીઓની કામગીરીનું પરીક્ષણ કરવામાં આવશે. તેમાં જાસૂસી અને સર્વેલન્સ, શોધ અને બચાવ, સ્થળાંતર, રાહત કામગીરી તથા જાનમાલના નુકસાનના વ્યવસ્થાપન જેવી કામગીરીનો સમાવેશ થશે.
આ ઉપરાંત ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સક્રિય કરવાં, ઘટના કમાન્ડ પોસ્ટ સ્થાપવી, રાહત સામગ્રીનું વિતરણ કરવું અને રાહત શિબિરો ઊભી કરવા જેવી કામગીરીનું પણ પ્રાયોગિક નિદર્શન કરવામાં આવશે.
‘સહાયતા સેતુ’ કવાયતના માધ્યમથી ભારતીય સંરક્ષણ દળોનો હેતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપદા વ્યવસ્થાપન માટે સંયુક્ત તૈયારી મજબૂત કરવાનો, વિવિધ એજન્સીઓ વચ્ચે સહયોગ વધારવાનો અને કટોકટીના સમયે અસરગ્રસ્ત વિસ્તારોમાં સમયસર માનવતાવાદી સહાય પહોંચાડવાની ક્ષમતા વિકસાવવાનો છે.
