તમામ કેડરના ક્લાસ વન અધિકારીને વિદેશમાં અભ્યાસની તક મળશે

Spread the love

નીતિ લાગુ કરવામાં આવશે તો ક્લાસ વન આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ, જીએએસ, જીપીએસઅને અન્ય કેડરના ઓફિસર્સ જેમ કે સચિવાલય સહિતના વિભાગને પણ લાગુ પડશે

ગાંધીનગર

ગુજરાત સરકાર એવી નીતિ રજૂ કરી શકે છે, જેનાથી તમામ કેડરના ક્લાસ વન અધિકારીને વિદેશ જઈને અભ્યાસ કરવાની તક મળી શકે છે. અધિકારીઓને વિવિધ સ્કીલ્સ હૈઠળ તૈયાર કરીને તંત્રને સારુ બનાવવાના હેતુથી આ પગલાં પર સરકાર વિચાર કરી રહી છે. તાજેતરમાં યોજાયેલી ચિંતનમાં આ મુદ્દે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ભારત સરકાર ઓફિસર્સને વિદેશ અભ્યાસ કરવા માટે મોકલવા માટે પસંદગી કરતી હતી. સરકાર જો આવા પ્રકારની નીતિની જાહેરાત કરે છે તો તમામ કેડરના ક્લાસ વન ઓફિસર્સને વિદેશમાં જઈને વિવિધ યુનિવર્સિટીમાં પબ્લિક એડમિનીસ્ટ્રેશન સંબંધિત અભ્યાસ કરવા માટે પાત્ર બનશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ અધિકારી કોઈ પણ કેડરના હોય પણ જો સરકાર દ્વારા તેમના નામની ભલામણ કરવામાં આવે તો તે સ્ટડી માટે પાત્ર બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ, જો આ નીતિ લાગુ કરવામાં આવશે તો ક્લાસ વન આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ, જીએએસ, જીપીએસઅને અન્ય કેડરના ઓફિસર્સ જેમ કે સચિવાલય, એન્જિનિયરિંગ, ઈરિગેશન, કોઓપરેટિવ અને અન્ય સહિતના વિભાગને પણ લાગુ પડશે.
જો કે, આ નીતિ પર હજુ ઝીણવટપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જે તે ઓફિસરનો વિદેશમાં રહેવાનો અને શૈક્ષણિક ખર્ચો ઉપાડશે. આ સિવાય વિદેશમાં રહીને અભ્યાસ કરતા આવા ઓફિસર્સને પેઈડ લીવ પણ મળે એવી શક્યતાઓ છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું. જેથી રાજ્ય સરકાર હવે આ હેતુને પાર પાડવા માટે સમર્પિત ભંડોળ સ્થાપે એવી શક્યતા છે. એ પછી જે પણ વિભાગ જે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં વિદેશ અભ્યાસ માટે ભલામણ કરે તો તેમને ભંડોળ પુરુ પાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે કોર્પસ ફંડ પણ બનાવવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *